Gandhinagarતા.23
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી બાદ ફરી ગઈકાલે અનેક શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જો કે બપોરના સમયે લૂનું જોર રહેવા પામ્યું હતું.
રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરે 40.4, અમદાવાદમાં 40.8, અમરેલીમાં 40.7, વડોદરામાં 39.4, ભાવનગરમાં 38.2, ભુજમાં 37, દાહોદમાં 37.6, ડાંગમાં 38.1, ડિસામાં 37.1, દિવમાં 37.3 ડિગ્રી તેમજ પોરબંદરમાં 33.4, સુરતમાં 39.8, વેરાવળમાં 31.2, દ્વારકામાં 31.2, ગાંધીનગરમાં 40.2 કંડલામાં 35.7 અને નલિયામાં 34 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે આજે સવારે પણ અનેક સ્થળોએ ભેજવાળા પવનો સાથે 22થી 25 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ઉલ્લેખનીય છે કે હવે આવતીકાલથી ફરી તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે જે મુજબ હવામાન ખાતાએ વ્યક્ત કરેલી સંભાવના મુજબ, આગામી 48 કલાકમાં ઉષ્ણતામાન આંકમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.
એક તરફ, મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બીજી તરફ, રાજ્યમાં કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધતી ગરમીને લીધે લોકો બપોરે ઘરમાં જ પુરાઈ રહ્યાં હતાં.
હિટવેવની સ્થિતિમાં શું કરવું ?
– હિટવેવ હોય તો બપોરે 1થી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.
– કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું.
– હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા
– વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી
– વધુ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત, નાળિયેર પાણીનું સેવન કરવું
– જો ચક્કર આવવા, તરસ લાગવી, માથાનો દુખાવો, બેભાન થવું, આવા લક્ષણો દેખાય, તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.આરોગ્ય વિભાગ સજજ
હજુ બે-ચાર દિવસ સુધી હિટવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી આગાહીને જોતાં આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં ’હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત કર્યો છે. બધીય સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, ઓઆરએસ અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત ’હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ની સુવિધા પણ ઊભી કરાઈ છે.

