6000 ફુટની ઉંચાઇ સુધી આગની જવાળા અને ધૂમાડા : વાયુસેનાના હેલીકોપ્ટરો તૈનાત કરાયા
Shimla, તા. 27
હિમાચલ પ્રદેશમાં ભયંકર ગરમી વચ્ચે જંગલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા દૂર-દૂર સુધી આગની જવાળાઓ તથા ધુમાડાના ગોટેગોટાથી ગભરાટ સર્જાયો છે. આગને કાબૂમાં લેવા માટે વાયુસેના હરકતમાં આવી છે અને ચિનૂક તથા એમઆઇ-17 હેલીકોપ્ટરોને આગ બુઝાવવાની કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.
સતાવાર સૂત્રોએ કહ્યું કે રાજ્યના વિખ્યાત પ્રવાસન સ્થળ સોલાન વેલીના કંડા ઘાટના જંગલમાં ભયાનક આગ લાગી છે. સેંકડો ફૂટ ઉંચે આગની જવાળા તથા ધુમાડા દેખાઇ રહ્યા છે. આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગ વિકરાળ રૂપ ધારણ કરીને ઉત્તરાખંડના જંગલોમાં ફેલાઇ જતાં ચિંતા વધી ગઇ છે.
સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કસોલીના જંગલમાં પણ આ લાગી છે. કસોલી વાયુ સ્ટેશન નજીકની આ આગ વિકરાળ બનવાના પગલે તે બુઝાવવાની કામગીરીમાં વાયુ સેનાના બે હેલીકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
ચિનુક અને એમઆઇ 17 હેલીકોપ્ટર મારફત પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નાઇટ વિઝન ગોગલ્સ મારફત રાત્રે પણ આ બુઝાવવાનું ઓપરેશન જારી રાખવાની ખાસ મંજુરી મેળવવામાં આવી છે.
જંગલની આગના ભયાનક દ્રશ્યો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. ઉત્તરાખંડના જંગલો પણ સળગ્યા હોવાના કારણોસર હિમાલયનો ગ્લેસીયરો સુધી ખતરો સર્જાયો છે. જંગલોની આ આગ 6000 ફુટ સુધી ઉંચે પહોંચી હોવાથી ગ્લેસીયરો પર ખતરો વધતો રહ્યો છે. રૂદ્ર પ્રયાગ, પીથોરાગઢ તથા ચમોલીમાં પણ ભીષણ આગ લાગી છે.

