એક રાજા ઘોડા ઉપર સવારી કરી એકલા જંગલમાં શિકાર કરવા માટે જાય છે.રાજા જ્યારે ડાકુઓની વસ્તીમાંની એક ઝુંપડી પાસેથી પસાર થાય છે ત્યારે એક એક ઝુંપડીના દ્વાર ઉપર પિંજરામાં બંધ એક પોપટ બૂમો પાડે છે કે ઉભા થાઓ, આને પકડો, તેને મારી નાખો,તેની પાસેનો ઘોડો છીનવી લો,તેના ઘરેણા લૂંટી લો.રાજા સમજી ગયા કે હું ડાકુઓની વસ્તીમાં આવી ગયો છું.રાજાએ પોતાના ઘોડાને ઘણી જ ઝડપથી દોડાવ્યો.ડાકુઓએ રાજાનો પીછો તો કર્યો પરંતુ રાજાનો ઘોડો ઉત્તમ હતો એટલે રાજા થોડા જ સમયમાં ત્યાંથી દૂર નીકળી જાય છે.ડાકૂઓએ નિરાશ થઇ રાજાનો પીછો કરવાનું છોડી દે છે.આગળ જતાં રાજા એક ઋષિના આશ્રમમાં પહોંચે છે તો ત્યાં પણ પિંજરામાં એક પોપટ બેઠો હતો.રાજાનું આગમન થતાં જ પોપટ બોલે છે કે આવો રાજા..આપનું હાર્દિક સ્વાગત છે. અરે..અતિથિ પધાર્યા છે..અર્ધ્ય લાવો..આસના બિછાવો?
પોપટના શબ્દો સાંભળીને મુનિ તરત જ કુટીયાની બહાર આવીને રાજાનું સ્વાગત કરે છે.ઋષિ-મુનિઓના આતિથ્ય સ્વીકાર કર્યા બાદ રાજા મુનિઓને પુછે છે કે મહારાજ..એક જ જાતિના પક્ષીઓ હોવા છતાં તેમના સ્વભાવમાં આટલું અંતર કેમ છે?ત્યારે મુનિઓ જવાબ આપે ત્યાર પહેલાં પોપટ બોલી પડે છે કે રાજન..અમે બંને એક જ માતા-પિતાના સંતાન છીએ પરંતુ તેને ડાકુઓ લઇ ગયા અને મને આ મુનિ પોતાના આશ્રમમાં લઇ આવ્યા હતા. તે હિંસક લોકોની વાતો શ્રવણ કરે છે અને હું ઋષિ-મુનિઓના વચન શ્રવણ કરૂં છું.આપે સ્વયં જોઇ લીધું કે કેવી રીતે સંગના પ્રભાવથી પ્રાણીઓમાં ગુણ કે દોષ આવી જાય છે.
અમારા શાસ્ત્રોમાં કહ્યું છે કે જેવો સંગ તેવો રંગ.બાળક જેમ જેમ મોટો થાય છે તેમ તેમ માતા-પિતા,આસપાસના વાતાવરણ અને બાળમિત્રોનો તેના જીવન ઉપર પ્રભાવ પડતો હોય છે એટલે માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે કે બાળકોમાં બાળપણથી જ સારા સંસ્કાર આપવા જોઇએ.જે લોકો વિષયોના સેવન અને ઉદર પોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો ક્યારેય સંગ ના કરવો. દુષ્ટ્રવૃત્તિ ધરાવનારાઓનો..ક૫ટી અને લુચ્ચાઓનો..મૂર્ખ અને વ્યસનીઓનો સંગ ના કરવો.બુદ્ધિમાન પુરૂષે કુસંગ ત્યજીને સત્પુરૂષોનો સંગ કરવો જોઇએ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

