New Delhi, તા.27
દેશના વિવિધ ભાગોમાં વખતો વખત સર્જાતા ભાષા વિવાદ વચ્ચે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક વર્ષથી ધો.10થી ત્રણ ભાષાની નીતિ લાગૂ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે અને તેનો વૈકલ્પિક ભાષાની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) દ્વારા 2026-27ના નવા શૈક્ષણિક વર્ષથી નવી સૂચિત નીતિ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 20-20 તથા સ્કુલ શિક્ષા માટેની એનસીએફએસઇ 2023ની ભલામણોના આધારે લાગૂ કરવાની તૈયારી છે.
સુચિત બદલાવો હેઠળ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી ત્રણ ભાષા ભણાવવી પડશે તેમાં બે ભારતીય મૂળની અને ત્રીજી વૈકિલ્પક ભાષા હશે. ત્રીજી ભાષા તરીકે અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવશે.
ઇંગ્લીશ મીડીયમ સ્કૂલો કે જ્યાં ધો.6માં અગાઉથી જ અંગ્રેજી ભણાવાય છે ત્યાં અંગ્રેજીને એક માત્ર વિદેશી ભાષા તરીકે ભણાવી શકાશે સાથોસાથ અન્ય બે વિદેશી ભાષા ફરજીયાત બનશે.
ત્રણ ભાષાની નીતિ અનુસાર કદાચ ફ્રેન્ચ, જર્મન જેવી ભાષા ભણાવવાના સંજોગોમાં પણ હવે ભારતીય ભાષા ભણાવવાનું અનિવાર્ય રહેશે અને ધો.9 તથા 10માં પણ ત્રણેય ભાષા જારી રાખવી પડશે.
ધો.10ની બોર્ડ પરીક્ષામાં ત્રીજી ભાષા માટે પણ લેખિત પરિક્ષા ફરજીયાત થશે. વર્તમાન તબકકે માત્ર બે ભાષાની જ પરીક્ષા લેવામાં આવે છે. તામીલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, બંગાળી વગેરે ભાષાઓ માટે ધો.6 માટેની શિક્ષણ સામગ્રી તૈયાર કરવાનું શરુ કરવામાં આવ્યું છે.
એનસીએફએસઇ દ્વારા એ વાત પર જોર મુકવામાં આવ્યું છે કે ભાષાના શિક્ષણ થકી બાળકો-વિદ્યાર્થીઓ તેની સંસ્કૃતિ, વિરાસત અને સમાજ સાથે જોડાણ જાળવી શકે છે.
ભાષા માટે ત્રણ કેટેગરી
ત્રણ ભાષા માટે કેટેગરી નિર્ધારિત કરવામાં આવી છે.
આર-1માં વિદ્યાર્થીની માતુભાષા, સ્થાનિક કે ક્ષેત્રીય અથવા સૌથી પરિચીત ભાષા લઇ શકાશે
આર-2 હેઠળ હિન્દી અથવા અન્ય ભારતીય ભાષા લઇ શકાશે
આર-3માં અન્ય ભારતીય ભાષા કે વિકલ્પમાં અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મની કે અન્ય ભાષા રાખી શકાશે

