New Delhi તા.24
દેશમાં સર્વોચ્ચ અદાલતમાં વધી રહેલી જાહેર હિતની અરજી પર કટાક્ષ કરતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે એક તરફ અરજદારો તેમની અરજી સાંભળવામાં આવે તે માટે વર્ષો સુધી રાહ જુએ છે.
બીજી તરફ પ્રભાવશાળી લોકો લકઝરી લીટીગેશનનો સહારો લે છે જેના કારણે વાસ્તવિક કેસમાં ન્યાયમાં વિલંબ થાય છે અને સર્વોચ્ચ અદાલતે એક આ પ્રકારની લકઝરી અરજી કરનાર પર રૂા.5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે અભિનેત્રી રેહાનાખાન વતી તેના ધારાસભ્યો રિઝવાન સીદીકી મારફત કરેલી અરજી નકારી હતી. તેઓએ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં અગાઉ પણ 11 વર્ષમાં અનેક વખત અરજીઓ કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ પ્રકારના પક્ષકારો અમારી પાસે જે ફરિયાદ લઈને આવે છે તેના જ એક ભાગ હોય છે.
તેઓએ બાર કાઉન્સીલથી લઈ સુપ્રીમકોર્ટ સુધી આ પ્રકારે અરજીઓ કરેલ હોય છે અને તેના કારણે જે લોકો વાસ્તવિક ન્યાય માટે આવતા હોય છે તેમની અરજીઓને રાહ જોવી પડે છે.
સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં અરજદારને રૂા.5 લાખનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે કોર્ટ એ કોઈ ઓડીટોરિયમ નથી કે જયાં આવીને તમે તમારી વાત જ સાચી છે તે પ્રસ્તાપિત કરવા પ્રયત્ન કરો. દેશભરમાં લાખો અરજદારો પોતાના ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે તેને અગ્રતા મળવી જોઈએ.

