Washington, તા.23
મધ્ય પૂર્વના યુધ્ધમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફી સીઝફાયર જાહેર કર્યું હોવા છતાં ઇરાને વાટાઘાટોની દરખાસ્તને ફગાવી દીધી છે ત્યારે ફરી વખત ટ્રમ્પે દાવો કર્યો છે કે વાટાઘાટોના મામલે તૂર્તમાં ગુડન્યુઝ મળશે.
અમેરિકન પ્રમુખે એવો નિર્દેશ કર્યો હતો કે આવતા 36થી 72 કલાકમાં ઇરાન સાથે ફરી વખત શાંતિ મંત્રણા શરૂ થઇ શકે છે. રાજદ્વારી ચેનલો વચ્ચે વાતચીત ચાલુ જ છે અને તેમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં જ બીજા રાઉન્ડની શાંતિ બેઠક શક્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ટ્રમ્પના દાવા છતાં શાંતિ વાટાઘાટો શરુ થવાના કોઇ સ્પષ્ટ કે, નક્કર સંકેતો મળતા નથી. ઇરાન દ્વારા શાંતિ મંત્રણાના સામેલ થવાની સ્વીકૃતિ આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાન પાસેથી શાંતિ સમજુતીની દરખાસ્ત માંગીને અમેરિકાએ અનિશ્ચિત મુદત સુધીનું યુધ્ધવિરામ જાહેર કરી દીધું હતું.
ઇરાને શરતો માનવાનો ઇન્કાર કરીને વાટાઘાટો કરવાનું નકારી કાઢ્યું હતું એટલું જ નહીં હોર્મુઝ ખાડીમાં જહાડો પર ગોળીબાર કરીને બેનો કબ્જો પણ લઇ લીધો હતો. આ જ્હાજોમાં એક જહાજ ભારત આવતું હતું.
ટ્રમ્પે જાહેર કર્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ ફરતે નાકાબંધી દુર નહીં થાય. સીઝફાયર ક્યાં સુધી ચાલશે તે પણ સ્પષ્ટ નથી. ઇરાને વાટાઘાટોમાં ભાગ નહીં લેવા માટે અમેરિકાના અગાઉના અભિગમ તથા શરતોને પણ આગળ ધરી છે.

