Uttar Pradesh,તા.12
ભારતમાં ટ્રેન મોડી પડે એમાં કોઈ નવાઈની વાત નથી, પણ જે ટ્રેને એની યાત્રા 42 કલાકમા પુરી કરવાની હતી એ ઓલમોસ્ટ પોણાચાર વર્ષે પુરી કરી હતી!
વર્ષ 2014ની એક ગુડસ ટ્રેન એટલે કે માલગાડીની છે જે આંધ્રપ્રદેશના વિશાખાપટનમથી ઉતરપ્રદેશના બસ્તી આવવા નીકળી હતી. આ યાત્રા આમ તો 42 કલાકની હતી, પણ એમાં 3 વર્ષ 8 મહિના અને 7 દિવસનો તોતીંગ વિલંબ થયો હતો.
ઉતરપ્રદેશના બસ્તી નામના શહેર બિઝનેસમેન રામચંદ્ર ગુપ્તા વિશાખાપટનમની કંપની ઈન્ડીયન પોટેશ લિમિટેડ પાસેથી ડિઅમોનિયમ ફોસ્ફેટ નામનું ખાતર મંગાવ્યુ હતું. 2014ની 10 નવેમ્બરે 14 લાખ રૂપિયાની કિંમતના આ ખાતરની 1316 ગુણી એક માલગાડીમાં ચડાવવામાં આવી હતી.
જો કે આ માલગાડી એના ગંતવ્યસ્થાન પર નિયત સમયે પહોંચી જ નહીં. રામચંદ્ર ગુપ્તાની અસંખ્ય ફરિયાદો પછી રેલવે પ્રશાસનને ખબર પડી કે માલગાડી રસ્તામાં જ અદ્દશ્ય થઈ ગઈ હતી.
બહુ તપાસ કર્યા પછી ખબર પડી કે માલગાડીને કોઈક રીતે ગેરમાર્ગે દોરવામાં આવી હતી. ત્યારબાદ એ માલગાડીને એક યાર્ડમાં ઉભી કરી દેવામાં આવી હતી, કારણ કે એનો એકાદ ડબ્બો પાટા પર લઈ જવા માટે ફીટ નહોતો. માલગાડી આખરે 2018ની પાંચમી જુલાઈએ બસ્તી પહોંચી હતી, પણ એમાં લોડ કરવામાં આવેલું ખાતર ત્યાં સુધી સડી ગયું હતું.