રહેણાક વિસ્તારમાં શ્વાનનો શિકાર કરતાં લોકોમાં ભયનો માહોલ
(કિરીટ જોટવા દ્વારા)
Vadiya
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે દીપડાની અવર જવર અને હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના માનવ વસવાટ ધરાવતા વિસ્તારમાં ફરી એકવાર દીપડાએ સ્વાનનુ મારણ કરતાં સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગામમાં આવેલી ભુવાવાડી પાસે આવેલા રહેણાક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આ ગામમાં ખેતમજૂર પરિવારના સાત વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાની યાદ હજી તાજી છે, ત્યાં ફરી રહેણાક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કરતાં ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.ગામના રહેણાક વિસ્તારોમાં દીપડાની અવરજવરથી ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. ખેતરોમાં વસવાટ કરતા ખેતમજૂરો, ખેડૂતો, પશુઓને ચરાવવા લઈ જતા માલધારીઓ તેમજ ગામમાં રહેતા પરિવારોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
છ માસ પેહલા પણ હનુમાન ખીજડીયા ગામના પાદર માંથી દીપડાએ સ્વાનનો શિકાર કાર્યો હતો ત્યાર બાદ ખેડૂતના ખેતરે બાળક પર હુમલો અને ફરી ગામના રહેણાંક વિસ્તાર માં સ્વાનના શિકારની ઘટના સામે આવતા દીપડાને પાંજરે પૂરવા તેમજ ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા વન વિભાગ સમક્ષ માંગ ઊઠી રહી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવે અને દીપડાની અવરજવર પર નિયંત્રણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે વ્યવસ્થા સુદ્રઢ બનાવવી જરૂરી છે ત્યારે
હાલમાં વડિયા વિસ્તારની વન વિભાગ સંબંધિત કામગીરી લીલીયા વાઈલ્ડ લાઈફ હેઠળ આવતી હોવાથી સ્થાનિક સ્તરે વડિયા વિસ્તારમાં વન્ય પ્રાણીઓના વસવાટ વધતા વાઈલ્ડ લાઈફની કચેરી શરુ કરવામાં આવે તેવી માંગણી જોવા મળી રહી છે ત્યારે વડિયા વિસ્તાર માં વધતા સિંહ, દીપડાના હુમલાઓની ઘટનાઓ પછી વન તંત્ર ક્યારે જાગે છે તે તો આવનારો સમય જ બતાવશે.

