New Delhi તા.8
દિગ્ગજ ઉદ્યોગપતિ અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં સ્કીઈંગ દરમિયાન ઘાયલ થતા માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્ટએટેકથી 49 વર્ષની વયે નિધન થયું છે. પુત્રના મૃત્યુ પર પિતા અનિલ અગ્રવાલે સોશિયલ મીડીયા પર ભાવુક પોસ્ટ લખી છે. તેમણે લખ્યું હતું- આજે અમારી વચ્ચે મારો પુત્ર નથી એક બાપના ખભા પર દીકરાની અર્થી જાય,
આનાથી ખરાબ બીજું શું હોઈ શકે. અગ્નિવેશ પોતાના મિત્રો સાથે અમેરિકામાં સ્કીઈંગ કરવા ગયો હતો, ત્યાં એકસીડન્ટ થઈ ગયો હતો તેને માઉન્ટ સિનાઈ હોસ્પિટલ, ન્યુયોર્કમાં દાખલ કરાયો હતો, તે ઠીક થઈ રહ્યો હતો. અમને લાગ્યું હતું કે તે ઠીક થઈ જશે પણ અચાનક કાર્ડિયાક એરેસ્ટ થઈ ગયો અને અમારો પુત્ર અમને છોડીને ચાલ્યો ગયો.
ઉલ્લેખનીય છે કે અગ્નિવેશનો જન્મ 3 જૂન 1976માં પટણામાં થયો હતો. પિતા અનિલ અગ્રવાલના જણાવ્યા મુજબ પુત્રે માયો કોલેજ, અજમેરમાં અભ્યાસ કર્યો હતો. તે સ્ટ્રોંગ પર્સનાલિટી ધરાવતો હતો. બોકસીંગ ચેમ્પીયન, ઘોડેસવારીનો શોખીન હતો અને કમાલનો મ્યુઝીશિયન હતો. તેણે ફયુજીરાહ ગોલ્ડ જેવી શાનદાર કંપની ઉભી કરી હતી અને હિન્દુસ્તાન ઝીંકનો ચેરમેન પણ બન્યો હતો.
તે જિંદાદીલ અને જમીનથી જોડાયેલો હતો. વાયદા મુજબ અગ્નિવેશનું 75 ટકા ધન અને સમાજ સેવામાં ઉપયોગ કરશે. તેના અચાનક મૃત્યુથી હું અને મારી પત્ની કિરણ તુટી ગયા છીએ.

