ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
રવિવાર માટે શું લખું? 1 મે ગુજરાત સ્થાપનાં દિન હતો, પણ આપણે એને વિશે લખાયું નથી તો એ લખું! કે પછી 3 મે પપ્પાનો જન્મ દિવસ એટલે” હું અને મારાં પપ્પા” એ લખું! પપ્પા વિશે લખવું કોને ન ગમે! અને એમાં પણ એમનું જીવન ચરિત્ર તો એટલું ઉજળું કે..પણ જે રીતે અત્યારે હિટવેવ એ કહેર વર્તાવ્યો છે! અને આપણી પ્રકૃતિ તરફની બેદરકારી વધતી જશે, તો હજી પણ તાપમાન વધશે! અને બાકીની ઋતુઓની અસર ઓછી થશે, અને કાયમ ઉનાળો જ રહેશે! તો આ ચિંતા જ ચિંતન બન્યું.
ગરમીનાં દિવસોમાં હવાનું દબાણ નીચે તરફ વધે છે, અને વાતાવરણ એક કેપ હોય એમ આ ગરમી ત્યાં એકત્રિત થઈ જાય, અને આ ગરમ હવા ત્યાં સ્થિર થઈ જાય એને હિટ વેવ કહેવાય છે. પ્રકૃતિમાં દિવસે દિવસે પ્રદૂષણ વધતું જાય છે, અને એટલે હાલમાં વિશ્વ સામે પડકાર સમો જો કોઈ પ્રશ્ન હોય તો એ છે, દિવસે દિવસે વધતી જતી ગરમીનો પારો છે, એમાં પણ ખાસ કરીને એશિયાના દેશોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જોકે યુરોપ કેનેડા અને અમેરિકામાં પણ હવે પંખા અને એસીની જરુરીયાત ઉભી થતી જાય છે. ક્યાંક તો સમુદ્રની સપાટી પણ દર વર્ષે અડધાથી એક ઇંચ જેટલી નીચે જતી જાય છે, અને વરસાદ પણ ક્યાંક અતિવૃષ્ટિ રૂપે થાય છે, તો ક્યાંક દુષ્કાળ રૂપે સાવ થતો જ નથી, એટલે કે દિવસે ને દિવસે હવે તાપમાન વધતું જશે, અને એને પરિણામે પીવાનાં પાણીની વધુને વધુ કટોકટી સર્જાતી રહેશે.
આમ જુઓ તો હવે આપણાં હાથમાં હવે કંઈ નથી, અને છતાં આપણે આપણું અસ્તિત્વ અહીં લાંબો સમય ટકાવવું હોય તો શું કરવું? સ્વયંનાં દાયરામાંથી બહાર આવી સર્વનાં હિતનું વિચારવું પડે. કારણ કે સૃષ્ટિમાં પ્રદૂષણ જેમ જેમ વધતું જશે, તેમ આકરી ને આકરી પરિસ્થિતિનું નિર્માણ થતું રહેશે. વ્યક્તિગત રીતે કોઈ એમ વિચારે કે, હું કંઈ પ્રદૂષણ કરતો નથી, તો મારે શું કામ વિચારવું જોઈએ? પરંતુ આપણી જેટલી જરુરીયાત વધારે એટલું પ્રોડક્શન વધુ થશે, અને એ બનાવવાં માટે ફેક્ટરીઓ હવામાં પ્રદૂષણ વધુ ફેંકશે! આમ ઔધ્યોગિક ક્રાંતિને નામે પણ આપણે વાતાવરણમાં ખૂબ ઝેરી વાયુઓ છોડીએ છીએ, તો જમીન પણ વધારે પડતાં પાક લેવા માટે પ્રદૂષિત કરી દીધી છે, અને પાણીનાં મુખ્ય સ્ત્રોત એવા નદી ઝરણાં પણ પ્રદૂષિત પાણી ભળવાથી દૂષિત થઈ ગયા છે. એટલે સૃષ્ટિનાં પાણી માટેનાં મુખ્ય ત્રણ આધાર હતાં, તેમાં વધુમાં વધુ પ્રદૂષણ થતું જાય છે, આ ઉપરાંત આજે વિશ્વમાં મહાસત્તા બનવાની હોડ લાગી હોય, તેમ મોટા મોટા રાષ્ટ્રો વારંવાર યુદ્ધોનાં એલાન કરે છે, અને સરહદે ઘાતક શસ્ત્રનો ઉપયોગ થાય છે, અને એકંદરે આ બધી જ ગરમી વાતાવરણમાં ભળતી હોવાથી, તાપમાન દિવસેને દિવસે વધતું જાય છે. આજથી 25 કે 30 વર્ષ પહેલાં ઉનાળો પણ દરેક ઋતુની જેમ ત્રણ કે વધીને ચાર મહિના જેટલો રહેતો હતો, જ્યારે આજે વધીને એક મહિનો વરસાદનો, અને એક મહિનો શિયાળાનો એમ ગણીએ, તો બાકીના દસ મહિના ગરમીના થઈ ગયા છે, અને એમાં પણ કાળઝાળ ગરમી પડતી હોવાથી આમ આદમી ઘર કે રહેઠાણ ન હોવાથી શેકાઇ જાય છે. એક તો આ ગરમી અને ઉપરથી એના નિઃસાસાની લ્હાય રુપિયા વાળાને છોડવાની નથી!! જો હજી જરુરીયાત વધારીશું, નાના માણસોનાં હક્ક અધિકારનું ખાઈ જઈશું તો આપણે તો મરવાનું છે, ક્યાં સુધી રુપિયાનો રોફ જમાવીને આમ આ સમસ્યાને નજર અંદાજ કરીશું?
આજની આ ગરમીની ચિંતા માણસ વ્યક્તિગત થી શરૂ કરીને પરિવાર તેમજ સમાજ સુધીની કરતાં હોય છે. આપણું ચિંતન પણ એવી એક સામાજિક ચિંતાને કારણે જ શરૂ થયું છે, અને સ્વથી સર્વ સુધીની વિચારધારા પર વિસ્તરેલું છે. એટલે કે સ્વયંની જાગૃતિથી ગતિ કરે તો જ સર્વની જાગૃતિ થાય, તોજ સમાજમાં સુધારો શક્ય છે. માનવી કેટલો જાગ્યો છે! એની પર તેની ચિંતા નિર્ભર કરે છે. એટલે ઉપર બતાવ્યું તેમ પોતાની માટે ગરમીથી બચવા તે અમુક ઈન્વેટર કે જનરેટર જેવાં ઉપકરણો વસાવી લે, ઠંડા પીણા પી લે, અને હળવા વસ્ત્રો પહેરી, એસીમાં બેઠા રહે, તો એ ખુદ પોતાનાં માટે જ જાગ્યો છે, એટલે કે પોતાના સ્વાસ્થ્ય વિશે જ તેને ચિંતા છે, એવું સાબિત થાય. પરિવારનો મુખિયા હોય તે પોતાનાં સંતાનને ગરમીથી કે અન્ય કોઈ સમસ્યાથી બચાવવાંની ચિંતા થોડી વધુ હોય છે. કારણ કે તેને ચાર કે પાંચ જણને આ સમસ્યામાંથી બહાર કાઢવાનાં હોય છે, અને એ રીતે તેનું આયોજન કરે છે.
વૈશ્વિક સ્તરે આવી પરિસ્થિતિ હોય ત્યારે તેનાથી બચવા આપણે શું કરવું! અથવા તો સમાજને તેમાંથી ઉગારવા માટે આપણે શું કરી શકીએ તેમ છીએ! એવો કોઈ સવાલ આપણને થાય, પ્રથમ તો પાણીનો બગાડ અટકાવવો, લીલા ફૂલ ઝાડ કે વૃક્ષ વધે એ માટે તેની માવજત કરતાં રહેવી, અને વાતાવરણ સારું હોય ત્યારે વગડામાં જઈ થોડાં વૃક્ષો વાવવાં, બીજ વેરવા કે પછી વરસાદ સમયે તળમાં પાણી સચવાઈ રહે એ માટેનાં જુનવાણી પ્રયોગો કરવાં, એટલે કે ટાંકુ વગેરે બનાવી વરસાદનું પાણીનો તેમાં સંગ્રહ કરવો, ચેકડેમ અને તળાવ જેવા નાના મોટા પાણીનાં સ્ત્રોત વધે તેવી જોગવાઈ કરવી. નાનકડું ગામ હોય તો અંતે આ બધું ગામ માટે જ છે, એમ સમજી દરેકે તેમાં પોતાનું યોગદાન આપવું, અને દરેક જણાએ નાના મોટા ફૂલ છોડ ઉગાડવાનો શોખ કેળવવો જોઈએ. ફળ ના આવે તો કંઈ નહીં, પણ લીલા છોડથી તાજો ઓક્સિજન આપણને તેનાથી મળી રહે છે, અને તેને કારણે ઘણા બધા રોગોથી બચી શકાય છે.
દુનિયાના ઘણાં પ્રદેશો એવા છે કે જ્યાં અત્યંત બરફ છે, અને ત્યાં આગળ પણ પહેલા કરતાં હવે તાપમાનનું પ્રમાણ વધ્યું છે, તો કોઈવાર વગર ઋતુએ ત્યાં સ્નોફોલ પણ હવે થાય છે, અને આ ગરમીને કારણે એ બરફ પીગળીને એ પાણીનો જથ્થો સમુદ્રમાં જતાં સમુદ્ર પણ પોતાનું સંતુલન ખોઈ શકે, વારંવાર આવતાં વાવાઝોડાને કારણે નીચાણવાળા વિસ્તારો નાશ પામવાની પૂરેપૂરી શક્યતાં છે.
યુદ્ધ કરનાર તમામ રાષ્ટ્રોએ વિચારવાં જેવું ખરું કે આમ યુદ્ધ કરવાથી, આપણાં હાથમાં એવું કંઈ આવી જવાનું નથી. વૈદિક શાસ્ત્રો અનુસાર આપણે તો કૌરવ પાંડવોનો ઇતિહાસ જાણીએ જ છીએ. કુરુક્ષેત્રનું આટલું મોટું યુદ્ધ જીત્યા પછી, પાંડવો હસ્તિનાપુરનું રાજય ભોગવી શક્યા નહીં,એમ આટલા ભયાનક અને વિનાશક યુદ્ધ પછી કદાચ કોઈ દેશનું અસ્તિત્વ બચી જાય તો પણ તેની માટે એકલતા સાથે રહેવું કદાચ મુશ્કેલ બની જાય, માટે હજી પણ સમય છે. વાતાવરણમાં પ્રદૂષણના નામેં ફેકાતો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ ઘટાડી નાખીને તેમાંથી લેવામાં આવતો ઓક્સિજન મળતો રહે, એ માટે નવાં ઝાડ ઉગાડીએ. આપણી પાસે રૂપિયા પૈસા છે, તો આપણે બધું જ કરવાને લાયક છીએ, એવી ભૂલ ભરેલી માન્યતા માંથી આપણે બહાર આવવું પડશે, અને તો જ આપણે આપણું અસ્તિત્વ સહી સલામત રાખી શકીશું. બાકી આ ઉપર જે અગન ગોળો છે, એટલો તાપ અંદર બહાર અનુભવીને કેમ જીવી શકાય,અમૃતની સરખામણી પાણી સાથે કરવી પડશે, ત્યારે કોઈ ઉકેલ મળશે. તો ચેતી જજો આ ઉનાળો કાયમ રહેશે તો શું કરીશું????
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

