Kolkataતા.10
વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કોલકતામાં આયોજીત એક કાર્યક્રમમાં પાર્ટીનું ચુંટણી ઘોષણા પત્ર જાહેર કર્યું હતું, જેને ભરોસાપત્ર નામ આપ્યું હતું.
જેમાં અમીત શાહે ચુંટણી વાયદાના પટારા ખોલી નાખ્યા હતા. જેમાં અમીત શાહે બંગાળમાં યુસીસી કાયદો લાગુ કરવા, 45 દિવસમાં 7માં પગારપંચનો અમલ, માતાઓને દર મહિને રૂા.3000 સહિતની જાહેરાતો કરી છે.
અમીત શાહે મહિલા સશક્તિકરણને પ્રાથમીકતા આપતા કહ્યું હતું કે, રાજયમાં પોલીસદળ સહિત બધી સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામતનો વાયદો કર્યો છે.
આ સાથે 75 લાખ મહિલાઓને `લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રમાં મહિલા પોલીસ સ્ટેશન અને મહિલા ડેસ્ક સ્થાપિત કરવાની યોજના છે.
અમીત શાહે જણાવ્યું હતું કે, ભરોસાપત્રમાં ગેરકાયદે દબાણોને 20 દિવસમાં હટાવવાનું લક્ષ્ય રખાયું છે. અમીત શાહે જણાવ્યું હતું કે હાલમાં જ ગ્રેજયુએટ થનાર યુવાનોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થુ આપવામાં આવશે, જેથી કેરિયરની શરૂઆતમાં આર્થિક સહયોગ મેળવી શકે.
આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને 15 હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. જેથી તેમણે ભણવામાં અને તૈયારી કરવામાં મદદ મળે. અમીત શાહે કહ્યું હતું કે, અમારી સરકાર ઘુસણખોરોને બહાર કાઢી બંગાળને સુરક્ષિત બનાવવાનું કામ કરશે.

