Patna,તા.18
પટના જિલ્લા અદાલતમાં સોમવારે એક અનોખી ઘટના બની. સીબીઆઈ કોર્ટનાં વિશેષ ન્યાયાધીશ અવિનાશ કુમારે 15 વર્ષ જૂના બેંક છેતરપિંડી કેસનો ચુકાદો કોર્ટરૂમમાં નહીં, પરંતુ રસ્તા પર જઈને આપ્યો.
આ અનોખી સુનાવણી કોર્ટ પરિસર બહાર થઈ, કારણ કે આરોપી જય નારાયણ સિંહ જે 95 વર્ષનાં અને ખૂબ નબળી સ્થિતિમાં હતાં અને ચાલવામાં અસમર્થ હતાં. તેઓ વાહનમાં જ રહ્યાં હતાં અને જીવનનાં અંતિમ તબક્કામાં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા હતા.
ન્યાયાધીશે તેમને દોષિત ઠરાવ્યા, પરંતુ ઉંમર અને નબળી તબિયતને ધ્યાનમાં રાખીને જેલની સજા આપવાને બદલે 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો અને કેસ પૂર્ણ કર્યો. કોર્ટએ એ બાબતની પણ નોંધ લીધી કે જય નારાયણ સિંહે છેતરપિંડીથી મેળવેલી અંદાજે 4 લાખ રૂપિયાની લોન સંપૂર્ણપણે પરત કરી દીધી હતી. આ લોન તેમણે યુકો બેંકમાંથી ટ્રેક્ટર ખરીદવાના નામે ખોટા દસ્તાવેજોના આધારે લીધી હતી.
આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ 2011માં નોંધ્યો હતો. બિહારના જામુઈ જિલ્લામાં કૃષિ લોન યોજનાઓના નામે જાહેર નાણાંની છેતરપિંડીના આરોપ હેઠળ નકલી લોન લેનારાઓ અને બેંકના કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
ચુકાદા પહેલાં ન્યાયાધીશે લગભગ 35 મિનિટ સુધી પટના સિવિલ કોર્ટ્સ તરફ જતાં રસ્તા પર જ સુનાવણી કરી. સુનાવણી દરમિયાન જય નારાયણ સિંહ હાથ જોડીને વાહનમાં જ પડેલી સ્થિતિમાં રહ્યાં, એવી માહિતી વકીલ શૈલેશ કુમારે આપી હતી. આ ઘટના ન્યાયપ્રણાલીની માનવતાપૂર્ણ દૃષ્ટિનું અનોખું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

