Rajkotતા.27
રાજકોટ મહાનગર પાલિકાની 18 વોર્ડની ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં સરેરાશ 51.60 ટકા જેટલુ મતદાન થયુ હતું. 18 વોર્ડના તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ થવા પામ્યુ છે. હવે આવતીકાલે તા.28ને મંગળવારના સવારના 9 વાગ્યાથી મતગણતરી કેન્દ્રો પર ગણતરીનો પ્રારંભ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અને સીસીટીવી કેમેરાની નિગરાનીમાં કરવામાં આવનાર છે.
મહાનગર પાલિકાના 18 વોર્ડની મત ગણતરી 6 જેટલા મત ગણતરી કેન્દ્રો પર કરવામાં આવનાર છે જેમાં વોર્ડ નં.1થી 3ની મતગણતરી પાંધી લો કોલેજ (ચૌધરી હાઈસ્કૂલ કંપાઉન્ડ, વોર્ડ નં.4થી 6ની મતગણતરી એ.એસ. ચૌધરી હાઈસ્કૂલ, વોર્ડ નં.7થી 9ની ગણતરી એસ.વી. વિરાણી હાઈસ્કૂલ, ટાગોર રોડ, વોર્ડ 10થી 12ની ગણતરી એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ, ટાગોર રોડ, વોર્ડ 13થી 15ની ગણતરી અમૃતચંદ વિરચંદ જસાણી સ્કુલ, ગોંડલ રોડ અને વોર્ડ નં.16થી 18ની ગણતરી રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવનાર છે.
આ મત ગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે માઈક્રોપ્લાનીંગ સાથે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી સેન્ટરના હોલમાં વધુને વધુ 14 ટેબલ રાખવાની સુચના આપવામાં આવી છે. દરેક મત ગણતરી માટે દરેક ટેબલ પર ત્રણ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક મતગણતરી કેન્દ્રો જારી વાળા બેરીકેટથી સજજ કરવામાં આવેલ છે. ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મત ગણતરી માટે જેઓને પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે. તેઓને જ મત ગણતરી સેન્ટરોમાં પ્રવેશ અપાશે. ઉમેદવારો અને તેમના એજન્ટો કે જેઓને આ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે તેઓને જ પ્રવેશ અપાશે. મત ગણતરીની કામગીરીની વિડીયોગ્રાફી કરવામાં આવશે.
તમામ મત ગણતરી કેન્દ્રો પર સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દરમ્યાન જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન દરમ્યાન એકંદરે શાંતિ જળવાય રહી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ બુથો પર મતદાન થવા પામેલ છે. ગઈકાલે સાંજના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મતદાન કેન્દ્રોના ઈવીએમ મશીનો રીસીવીંગ સેન્ટરોમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. આજે સાંજના જનરલ ઓબ્ઝર્વર દ્વારા આ તમામ રીસીવીંગ સેન્ટરો અને મતગણતરી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી તપાસણી કરવામાં આવશે.
આવતીકાલે સજજડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણનાનો સવારના નવ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે. આ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. મતદાન બાદ ભાજપની બેઠકો 60ની અંદર રહેવાનો અંદાજ રાજકીય પંડીતો દ્વારા લગાવવામાં આવી રહી છે. જયારે કોંગ્રેસ અને આપની બેઠકો આ વખતે બે આંકડે પહોંચે તેવી ચર્ચા છે.
રાજકોટ મ્યુ.કોર્પો.ની મતદાનની ટકાવારીના અંતીમ આંકડા સવારે જાહેર કરતું તંત્ર
રાજકોટ મ્યુ.કોર્પો.ના મતદાનની ટકાવારી વધીને 51.60% થઈ
વોર્ડ નં.3માં 3526, વોર્ડ નં.14માં 476 અને વોર્ડ નં.18માં 114 મતોનો વધારો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગઈકાલે સાંજે 51.18 ટકા મતદાન થયાનું જાહેર કરાયા બાદ મતદાનની ટકાવારીના ફાઈનલ અંતીમ આંકડા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારના જાહેર કરવામાં આવેલ છે જેમાં મતદાનની અંતીમ ટકાવારી 51.60 ટકા જાહેર કરાયેલ છે.
મહાનગર પાલિકાની આ ચૂંટણીમાં કુલ 5,08,715 મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ છે. જેમાં 2,87,132 પુરૂષ મતદારો (56.29 ટકા) અને 2,21,583 મહિલા મતદારો (46.56 ટકા) દ્વારા મતદાન કરવામાં આવ્યુ છે. મતદાનની ટકાવારીના અંતિમ આંકડા મુજબ વોર્ડ નં.3માં 3526 મતદારોના મતો વધી જવા પામેલ છે. આવી જ રીતે વોર્ડ નં.14માં પણ કે જયાં ગઈકાલે મતદાન દરમ્યાન માથાકૂટ થયેલ હતી તે વોર્ડ નં.14માં પણ 476 મતોનો વધારો દર્શાવવામાં આવ્યો છે. જયારે વોર્ડ નં.18માં પણ 114 મતો વધ્યા છે. આમ કુલ મતદાનની ટકાવારીમાં 0.42 ટકાનો વધારો થવા પામેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મનપાના 18 વોર્ડની ચૂંટણીના મતદાનની ટકાવારી 51.18 જાહેર કરવામાં આવી હતી જે બાદ મતદાનની ટકાવારી સુધારી 51.60 જાહેર કરવામાં આવી છે.
કયા વોર્ડ કયા સ્થળે મતગણતરી
વોર્ડ નંબર-કાઉન્ટીંગ સેન્ટર
1થી 3-પાંધી લો કોલેજ
4થી 6-ચૌધરી હાઈસ્કૂલ
7થી 9-વિરાણી હાઈસ્કુલ
10થી 12-એ.વી. પારેખ ઈન્સ્ટીટયુટ
13થી 15-જસાણી સ્કૂલ, ગોંડલ રોડ,
16થી 18-રણછોડદાસબાપુ કોમ્યુ.હોલ
કયા વોર્ડની કેટલા રાઉન્ડમાં મતગણતરી વોર્ડ-મતગણતરી રાઉન્ડ
1,2,3-13 રાઉન્ડ
4,5,6-12 રાઉન્ડ
7,8,9-15 રાઉન્ડ
10,11,12-16 રાઉન્ડ
13,14,15-13 રાઉન્ડ
16,17,18-13 રાઉન્ડ
કુલ-82

