૧૨.૬૩ લાખ એક માસમાં ફરિયાદીને ભરપાઈ ન કરે તો કેસ દીઠ વધુ છ છ માસથી સજા
Rajkot તા.૧૫
ધંધાકીય વ્યવહાર પેટેની રકમ ચૂકવવા આપેલા ૧૩ ચેકો રિટર્ન થતા તમામ ચેકો અંગે દાખલ થયેલી ચેક રિટર્નની ચાર ફરિયાદોના દરેક કેસમાં અદાલતે આરોપીને એક એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવા પ્રકારની છે કે, રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડ,આર.ટી.ઓ. ઓફીસ પાસે, ઉર્જા એન્ટરપ્રાઈઝના નામે વેપાર પેઢી પાસેથી મહેક એન્ટરપ્રાઈઝના નામે ચાલતી પેઢીના ઓથોરાઈઝ પર્સન પ્રીતિ દિપકભાઈ મોટવાણી તથા તેમના પતિ દિપકભાઈએ માલ ફરીયાદી પેઢી પાસેથી પોતાની જરૂરીયાત મુજબનો માલ ખરીદેલ અને લેણી રકમ પેટે કુલ રૂા.૧૨,૬૩,૯૫૦/- ના જુદા જુદા ૧૩ ચેકો આપેલા. જે ચેકો ફરીયાદીએ બેંકમાં ભરતા તમામ ચેક ફંડ ઈન્સફિસિયન્ટના શેરા સાથે સ્વીકાર્યા વગર પરત આવેલ હતા. આથી ફરીયાદી ઉર્જા એન્ટરપ્રાઈઝે તેઓના વકીલ મારફત નોટીસ આપેલ.
જે નોટીસ મુજબનો અમલ નહી કરતા સને ૨૦૨૩માં આરોપી મહેક એન્ટરપ્રાઈઝના નામે ચાલતી પેઢીના ઓથોરાઈઝ પર્સન પ્રીતિ દિપકભાઈ મોટવાણી સામે નેગો. ઈન્સ્ટ્રુ. એકટ હેઠળ ચાર ફરીયાદો દાખલ કરેલ. આ કેસ ચાલી જતા અને ફરીયાદીના દસ્તાવેજી પુરાવા, દલીલો વિગેરે ધ્યાનમાં લઈને એડીશનલ ચીફ જયુડિ. મેજિ. જે. એ. પટેલે આરોપી મહેક એન્ટરપ્રાઈઝના ઓથોરાઈઝ પર્સન પ્રીતિ દિપકભાઈ મોટવાણીને ચારેય કેસોમાં દરેક કેસમાં ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ વળતરની રકમ ફરીયાદીને હુકમની તારીખથી ૧ માસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ છે. તથા જો વળતરની રકમ ન ચુકવે તો દરેક કેસોમાં વઘુ છ-છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. આ કામે ફરિયાદી વતી ધારાશાસ્ત્રી બિનેશ એચ. પટેલ તથા રાજેશ એચ. પટેલ રોકાયા હતા.

