Washington,તા.12
છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યા છે તેવા સંકેત સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ પ્રકારના યુદ્ધ લાંબો સમય ચાલે તો તેના પરિણામે ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે.
શ્રી ટ્રમ્પે હાલમાં જ આ યુદ્ધ અટકાવવા નવા રોડ-મેપ રશિયા-યુક્રેન સમક્ષ રજુ કર્યો હતો પણ બન્ને દેશોએ તેમાં આંશિક સ્વીકાર્યતા અને મોટાભાગે અસહમતી દર્શાવી હતી તે સમયે ટ્રમ્પના વિધાનો મહત્વપૂર્ણ છે.
વ્હાઈટ હાઉસમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ રેગ્યુલેશન માટેના એક સમારોહને સંબોધન કરતા શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે, ગત મહિને જ આ યુદ્ધમાં 25000 લોકો માર્યા ગયા જેમાં મોટા ભાગના સૈનિકો હતા પણ લોકો પર પણ બોમ્બમારો થયો હતો.
હું આ યુદ્ધનો અંત આવે તે પસંદ કરુ છું અને તેના માટે સતત પ્રયાસ પણ કરશું. આ દુશ્મનાવટ જે લોહીયાળ બની રહી છે તેનો તાત્કાલીક અંત લાવવો જરૂરી છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે આ પ્રકારના યુદ્ધ જો અટકે નહી તો અંતે ત્રીજુ વિશ્વયુદ્ધ જ લાવશે.
દરેક આ રીતે યુદ્ધની રમત રમવા લાગશે. જે અંતે વિશ્વયુદ્ધનું સર્જન કરશે જે આપણે ઈચ્છતા નથી. આ અગાઉ વ્હાઈટહાઉસના પ્રવકતા કેરોલીન લેટીવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધથી પ્રમુખ ટ્રમ્પ અત્યંત હતાશ છે. યુદ્ધનો અંત લાવવા રશિયા-યુક્રેન બહુ ધીમી પ્રગતિ કરી રહ્યો છે અને તેઓ મળવા ખાતર પણ મળવા તૈયાર નથી.
પ્રમુખ ટ્રમ્પ બીજું કંઈ નહી ફકત પરિણામ ઈચ્છે છે. બીજા કોઈ શબ્દ તેઓ સ્વીકારતા નથી. આ ચાર વર્ષના યુદ્ધનો અંત લાવવા અમેરિકા શકય તેટલી મધ્યસ્થતા કરવા તૈયાર છે અને પુરુ ટ્રમ્પ વહીવટીતંત્ર આ માટે સક્રીય છે અને યુરોપીયન નેતાઓ સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને બન્ને તરફથી વાટાઘાટને તેવો આગ્રહ આપે છે.
જો કે યુક્રેને દાવો કર્યો છે કે, પ્રમુખ ટ્રમ્પ ઈચ્છે છે કે અમારી સેના દોનાસ્તક તંત્રમાંથી પાછી હટી જાય અને અહી ફ્રી ઈકોનોમીક ઝોન બનાવવાના બદલે પણ રશિયા તે ક્ષેત્ર પર પ્રભુત્વ ઈચ્છે છે. અમોએ 20 મુદાની સમજુતી ઓફર કરી છે અને અમો ઈચ્છીએ છીએ કે રશિયા પર દબાણ વધારવામાં આવે તો યુદ્ધનો અંત લાવી શકાય છે.

