આલેખનઃ વિનોદ માછી નિરંકારી
શારદીય Navratri એ હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક ઉર્જા-સાધના અને શક્તિ ઉપાસનાનું એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પર્વ છે.વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે.બે પ્રગટ (ચૈત્ર અને શારદીય) અને બે ગુપ્ત નવરાત્રી. આસો મહિનાની શુક્લ પક્ષની એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે, જેમ કે ચાલુ વર્ષે તા.૧૧-૧૦-૨૦૨૬થી શારદીય નવરાત્રી શરૂ થાય છે.આ નવ દિવસો દરમિયાન જગદંબાના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.
શૈલપૂત્રી એ માતા પાર્વતીનું જ એક દિવ્ય સ્વરૂપ છે,જે પર્વતપુત્રી તરીકે ઓળખાય છે.લૌકિક વ્યવહારમાં પણ જન્મ ગ્રહણ કરતી કન્યા પ્રારંભમાં શૈલપૂત્રીનું જ સ્વરૂપ છે.
વંદે વાચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્
વૃષારૂઢાં શૂલધરાં શૈલપૂત્રી યશસ્વિનીમ્
પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ લેવાના કારણે તેમનું નામ ’શૈલપૂત્રી’ પડ્યું છે.નવદુર્ગામાં આ પ્રથમ દેવી છે.માતા શૈલપૂત્રી વૃષભ-બળદ ઉપર આરૂઢ છે તેથી તેમને ’વૃષારૂઢા’ પણ કહેવામાં આવે છે.તેમના જમણા હાથમાં અત્યંત પ્રભાવશાળી ત્રિશૂળ અને ડાબા હાથમાં દિવ્ય કમળનું પુષ્પ સુશોભિત છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન છે જે શીતળતા અને ચેતનાનું પ્રતીક છે.પાર્વતી,હૈમવતી વગેરે તેમના જ અન્યો નામ છે.ઉપનિષદની કથા અનુસાર તેમણે જ ’હૈમવતી’ સ્વરૂપ ધારણ કરીને દેવતાઓનો અહંકાર અને ગર્વ ભાંગ્યો હતો.
માતા શૈલપૂત્રીએ પોતાના પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યા તરીકે જન્મ લીધો હતો અને તે સમયે તેમનું નામ ’સતી’ (દક્ષાયણી) હતું, તેમનો વિવાહ ભગવાન શંકર સાથે થયો હતો. એકવાર પ્રજાપતિ દક્ષે એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન કર્યું હતું.આ મહાયજ્ઞમાં બ્રહ્મા-વિષ્ણુ,તમામ દેવી-દેવતાઓને પોતપોતાનો યજ્ઞભાગ પ્રાપ્ત કરવા માટે સન્માનપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ભગવાન ભોલેનાથ શિવ પ્રત્યેના ભેદભાવ-દ્વેષભાવ અને અહંકારના કારણે દક્ષે શિવજીને નિમંત્રણ મોકલ્યું નહોતું. દક્ષ શિવજીને જટાધારી,અમંગળ વેશભૂષાવાળા અને સમાધિસ્થ રહેનારા માનીને તેમનો તિરસ્કાર કરતા હતા.
જ્યારે માતા સતીને આકાશ માર્ગૅથી અન્ય દેવાંગનાઓને પોતાના પિયરમાં જતી જોઈને કુતૂહલ થયું અને તેમણે આ વિશે ભગવાન શિવને પૂછ્યું ત્યારે શિવજીએ સતીને સમગ્ર વિગત જણાવી અને કહ્યું કે ‘‘પ્રજાપતિ દક્ષ આપણાથી જાણીબૂજીને નારાજ છે અને તેમણે આપણને આમંત્રણ આપ્યું નથી. આવી સ્થિતિમાં વગર આમંત્રણે જ્યાં આપણો આદર ન હોય ત્યાં જવું કદાપિ યોગ્ય નથી.‘‘ પરંતુ સતી પોતાના પિતાના વિશાળ યજ્ઞને જોવાની,પોતાના માતાને મળવાની તથા બહેનોને મળવાની તીવ્ર ઉત્સુકતા પોતાના મનમાં રોકી ન શક્યા, તેમણે વારંવાર પિયર જવાનો આગ્રહ રાખ્યો, અંતે ભગવાન શિવે સતીના અતિશય આગ્રહને વશ થઈને તેમને ગણ અને સેવકો સાથે પિયર જવાની પરવાનગી આપી દીધી.
સતી જ્યારે પોતાના પિયર પહોંચ્યાં ત્યારે તેમણે જોયું કે ત્યાંનું વાતાવરણ અત્યંત શુષ્ક અને તિરસ્કારપૂર્ણ હતું. કોઈએ પણ તેમની સાથે આદર કે પ્રેમથી વાત ન કરી, માત્ર તેમની માતાએ સ્નેહવશ થઈને તેમને ભેટી લીધા પરંતુ તેમની બહેનોના બોલવામાં વ્યંગ-કટાક્ષ અને ઉપહાસ હતો.ચારેબાજુ ભગવાન શિવ વિરૂદ્ધ તિરસ્કારનો માહોલ ફેલાયેલો હતો.જ્યારે પ્રજાપતિ દક્ષની નજર સતી પર પડી ત્યારે તેમણે કોઈપણ સંકોચ કે મર્યાદા વગર સતી સમક્ષ જ ભગવાન શિવ વિશે અત્યંત કઠોર-અપમાનજનક અને તિરસ્કારપૂર્ણ શબ્દો કહ્યા. દક્ષે સતીને કહ્યું કે ‘‘તું આ અમંગળ અને ભિખારી જેવા શિવને છોડીને અહીં કેમ આવી છે?‘‘
પોતાના આરાધ્ય અને સર્વસ્વ એવા પતિ ભગવાન શિવનું આવું જાહેરમાં અપમાન સતી સહન ન કરી શક્યા,તેમના હૃદયમાં ક્ષોભ,ગ્લાનિ,દુઃખ અને પ્રચંડ ક્રોધની અગ્નિ પ્રજ્વલિત થઈ, તેમણે વિચાર્યું કે જે શરીરે પિતા દક્ષનું રક્ત ધારણ કર્યું છે અને જે પિતાએ શિવનું અપમાન કર્યું છે તે શરીરને હવે એક ક્ષણ પણ રાખવું યોગ્ય નથી.સતીએ તત્ક્ષણ જ યોગાસન પર બેસીને પોતાની આંતરિક ચેતનાને કેન્દ્રિત કરી અને પોતાના ભૌતિક શરીરને યોગાગ્નિ-આત્મ-યોગથી પ્રગટેલી અગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું.સમગ્ર યજ્ઞમંડળમાં હાહાકાર મચી ગયો.
જ્યારે આ અત્યંત દુઃખદ અને દારૂણ સમાચાર કૈલાશપતિ ભગવાન શિવ સુધી પહોંચ્યા ત્યારે તેમનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો.શિવજીએ અત્યંત ક્રોધિત થઈને પોતાની જટામાંથી એક વાળ તોડીને જમીન પર પછાડ્યો, જેમાંથી ભયાનક પરાક્રમી વીરભદ્ર અને મહાકાળી પ્રગટ થયા.શિવજીએ પોતાના ગણોને મોકલીને દક્ષના તે યજ્ઞનો પૂર્ણપણે વિધ્વંશ કરી નાખ્યો અને દક્ષનું મસ્તક ધડથી અલગ કરી દીધું ત્યાર પછી દેવતાઓની પ્રાર્થનાથી શિવજીએ દક્ષને બકરાનું મુખ લગાડીને જીવનદાન આપ્યું હતું.
પૂર્વજન્મમાં યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કર્યા બાદ દેવી સતીએ બીજા જન્મમાં પર્વતરાજ હિમાલય અને માતા મેનાવતી-મેનાની પુત્રી તરીકે દિવ્ય રૂપમાં જન્મ લીધો, તેમના પ્રાગટ્યથી હિમાલય પર્વતનો વૈભવ અને આનંદ અનેકગણો વધી ગયો. પર્વતરાજ હિમાલયને ’શૈલ’ પણ કહેવામાં આવે છે અને તેમના ઘેર પુત્રી તરીકે જન્મ લેવાના કારણે તેમનું નામ ’શૈલપૂત્રી’ તરીકે વિખ્યાત બન્યું.
આ જન્મમાં પણ સતીના હૃદયમાં ભગવાન શિવને જ પતિ તરીકે મેળવવાનો દ્રઢ સંકલ્પ હતો. નારદજીના ઉપદેશથી તેમણે યુવાન વયે જ કઠોર તપસ્યા આરંભી,તેમણે હજારો વર્ષો સુધી માત્ર કંદમૂળ, સૂકા પાંદડા-પર્ણ અને અંતે માત્ર નિર્જળ ઉપવાસ કરીને કઠોર તપ આચર્યું.તેમની આ કઠોર તપસ્યાના કારણે જ તેમનું એક નામ ’અપર્ણા’ પણ પડ્યું કારણ કે તેમણે તપ દરમિયાન સૂકા પાંદડા ખાવાનું પણ છોડી દીધું હતું.તેમની આ ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને અંતે ભગવાન શિવે તેમને ફરીથી પત્ની તરીકે સ્વીકાર્યા અને તેઓ મહાદેવના અર્ધાગિની બન્યા.
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસનું વિશેષ સાંકેતિક અને આધ્યાત્મિક મહત્વ છે.પ્રથમ નોરતાનો વિશેષ રંગ પીળો છે જે ખુશી,ઉર્જા,દીપ્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે.આ ઉપરાંત માતા શૈલપૂત્રીને શ્વેત-સફેદ રંગ પણ અત્યંત પ્રિય હોવાથી શ્વેત રંગના વસ્ત્રો કે ફૂલો પણ અર્પણ કરી શકાય છે.માતાજીને પ્રસાદમાં ગાયના શુદ્ધ દૂધમાંથી બનાવેલી મીઠાઈ,ખીર કે દૂધનો નૈવેદ્ય અર્પણ કરવાનું વિશેષ શાસ્ત્રીય મહત્વ છે.નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કરતી વખતે સાધક-યોગી કે ભક્ત પોતાના મનને ’મૂલાધાર ચક્ર’ જે શરીરનું પ્રથમ ચક્ર છે તેમાં સ્થિર કરે છે.યોગીઓની આધ્યાત્મિક યાત્રા અને યોગસાધનાની સાચી શરૂઆત અહીંથી જ થાય છે.માતા શૈલપૂત્રીની આરાધનાથી જીવનમાં અસ્થિરતા દૂર થઈને સ્થિરતા,અડગ આત્મવિશ્વાસ અને દ્રઢસંકલ્પ શક્તિ પ્રાપ્ત થાય છે.ભક્તના જીવનના તમામ ભય અને સંકટોનો નાશ થાય છે.

