Rajkot તા.૧૦ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ પરિચાલનને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં બજરંગપુરા રેલવે સ્ટેશન પર ૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આધુનિક મલ્ટી-સેક્શન ડિજિટલ એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટેકનિકલ અપગ્રેડેશન હેઠળ ચાર ટ્રેક સર્કિટને નવી પ્રણાલીથી બદલવામાં આવ્યા છે. આ કામગીરી રેલ પાટા પર કાટ લાગવાને કારણે ટ્રેક સર્કિટની કામગીરીમાં ઊભી થતી સંભવિત સમસ્યાઓને ઘટાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.
મલ્ટી-સેક્શન ડિજિટલ એક્સલ કાઉન્ટર એક આધુનિક રેલવે સિગ્નલિંગ સિસ્ટમ છે, જે નિર્ધારિત ટ્રેક સેક્શનમાં પ્રવેશતા અને તેમાંથી બહાર નીકળતા ટ્રેનના પૈડાં (એક્સલ)ની સંખ્યાની ગણતરી કરે છે. આ ગણતરીના આધારે સિસ્ટમ એ નક્કી કરવામાં મદદ કરે છે કે સંબંધિત ટ્રેક સેક્શન ખાલી છે કે તેના પર ટ્રેન હાજર છે. આ માહિતી ટ્રેનોની સુરક્ષિત અવરજવર માટે સિગ્નલિંગ વ્યવસ્થાને વધુ વિશ્વસનીય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જૂની ટ્રેક સર્કિટ પ્રણાલીમાં રેલ પાટાની વિદ્યુત સ્થિતિના આધારે ટ્રેકની ઉપલબ્ધતા જાણી શકાતી હતી. પાટા પર કાટ લાગવાથી અમુક સંજોગોમાં ટ્રેક સર્કિટની કામગીરી પર અસર પડી શકતી હતી. નવી એક્સલ કાઉન્ટર સિસ્ટમ આ પ્રકારની સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ થશે.
બજરંગપુરા સ્ટેશન પર સિમેન્સ કંપનીની -૨૦૦ મોડલ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે. તેમાં ૧૦ ડિટેક્શન પોઇન્ટ અને ચાર ટ્રેક સેક્શન સામેલ છે. આ અંતર્ગત ટ્રેક સર્કિટ નંબર ૧૦૧, ૧૦૨, ૧૧૯ અને ૧૨૦ ને નવી પ્રણાલીથી બદલવામાં આવ્યા છે.
આ ઉપરાંત, બે એલવી બોક્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સિસ્ટમમાં રીસેટ બોક્સ પેનલની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ટ્રેન પરિચાલન સંબંધિત માહિતી પ્રદર્શિત કરતી વીડીયુ નું લેઆઉટ પણ અપડેટ કરવામાં આવ્યું છે. આનાથી સિગ્નલિંગ પ્રણાલીની સ્થિતિ પર નજર રાખવામાં સરળતા રહેશે.
આ ટેકનિકલ અપગ્રેડેશનથી સિગ્નલિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા વધારવા અને ટ્રેક સર્કિટ સંબંધિત સંભવિત ટેકનિકલ સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળશે. પરિણામે, પરિચાલનમાં બિનજરૂરી અવરોધોની શક્યતા ઘટશે અને ટ્રેનોની સુરક્ષિત તથા સરળ અવરજવર સુનિશ્ચિત થઈ શકશે. આ પહેલ રેલ સેવાઓની સલામતી અને સમયપાલન જાળવી રાખવાના પ્રયાસોનો એક ભાગ છે.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ‘‘રેલવેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષિત અને વિશ્વસનીય રેલ પરિચાલન સુનિશ્ચિત કરવા તરફ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બજરંગપુરા સ્ટેશન પર મલ્ટી-સેક્શન ડિજિટલ એક્સલ કાઉન્ટર સિસ્ટમની સ્થાપનાથી સિગ્નલિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા વધારવા અને ટ્રેક સર્કિટ સંબંધિત સંભવિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળશે. રાજકોટ ડિવિઝન મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં રેલ પરિચાલનના આધુનિકીકરણ તથા મુસાફરોને સલામત, સુગમ અને ઉત્કૃષ્ટ રેલ સેવાઓ પૂરી પાડવા સતત પ્રયત્નશીલ છે.’’

