બુદ્ધિના આશ્રયનું ફળ બતાવતાં ભગવાન ગીતા(૨/૫૦)માં કહે છે કે..
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્
સમબુદ્ધિયુક્ત માણસ આ લોકમાં જીવિત અવસ્થામાં જ પાપ-પુણ્ય બંન્નેને ત્યાગી દે છે આથી તૂં સમત્વરૂપ યોગમાં જોડાઇ જા કેમકે કર્મોમાં સમત્વરૂપ યોગ એ જ કુશળતા છે.
સમતાવાળો મનુષ્ય જીવિત અવસ્થામાં જ પાપ-પુણ્યનો ત્યાગ કરી દે છે એટલે કે તેને પાપ-પુણ્ય લાગતાં નથી.સમતા એક એવી વિદ્યા છે જેનાથી મનુષ્ય સંસારમાં રહેવા છતાં સંસારથી નિર્લિપ્ત રહે છે. એટલા માટે તૂં યોગમાં જોડાઇ જા.કર્મોમાં યોગ એ જ કુશળતા છે એટલે કે કર્મોની સિદ્ધિ-અસિદ્ધિમાં અને તે કર્મોના ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમ રહેવું એ જ કર્મોમાં કુશળતા છે.કર્મોથી માણસ બંધાઇ જાય છે તેથી જે કર્મ સ્વભાવથી જ બાંધવાવાળા છે તે જ કર્મો મુક્તિ આપનાર બની જાય-આ જ વાસ્તવમાં કર્મોમાં કુશળતા છે.કર્મોનું મહત્વ નથી પરંતુ યોગ(સમતા)નું જ મહત્વ છે તેથી કર્મોમાં યોગ જ કુશળતા છે.
બુદ્ધિથી કર્મ કર આમ ભગવાન કહે છે.બુદ્ધિથી તુ કામ કરીશ તો કર્મો બંધનકર્તા નહિ થાય.આમ તું કર્મ સાથે જોડાય જા કારણ કે કર્મમાં કુશળતા તે યોગ છે.આ સરળ અનુવાદ છે.આપણે પૈસા કમાવવા સિવાય ક્યાંય આપણી બુદ્ધિ વાપરતા જ નથી તેથી આપણી બુદ્ધિને દુર્ગંધ આવતી હશે.બુદ્ધિથી કામ કર એટલે વિચાર સ્થિર રાખીને કામ કર,સમર્પણભાવથી કામ કર અને આયોજનબદ્ધ કામ કર તેવો અર્થ થાય છે પણ કયું કામ કરવાનું? તો કહે કે તસ્માત યોગાય યુજ્જસ્વ..જોડાય જા તેવું કામ કર.યુજ એટલે જોડાવું. ભગવાન સાથે જોડાઈ જવાય તેવું કામ કર.જે કામ ભગવાન સાથે જોડી શકે તે જ કામ યોગ કહેવાય છે. આપણી દિવસભરની ભાગદોડમાં એકપણ કામ એવું છે કે જે મને ભગવાન સાથે જોડે છે? ના..તેથી આખો દિવસ હું ફક્ત રોટલો અને ઓટલો મળે તે માટે જ દોડું છું,આનાથી વિશેષ મેં કંઈ જ કર્યુ નથી.આવી રીતનો મને ભગવાને બનાવીને શું સંતોષ લીધો હોય? ભગવાનને ગમે તેવું હું જરાપણ જીવ્યો ખરો? ભગવાન સાથે જોડાઈ જવાનું તો બહું દુર છે,હું તો ભગવાનને યાદ પણ કરતો નથી.ભગવાનને થેંક્યૂ.. કહેવા જેટલો પણ સમય મને નથી અને પછી આપણે ફરીયાદ કરીએ કે ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે? મેં કોઈનું શું બગાડ્યું છે? અરે ! હરામખોર તો હું છું કે સ્વાર્થ વગર ભગવાનને યાદ પણ કરતો નથી.
ભગવાન સાથે જોડાવું એટલે ભગવાનનાં વિચાર,ભગવાનના સર્જન અને ભગવાનનાં કામ સાથે જોડાવું.ભગવાનનો વિચાર એટલે વેદનો વિચાર,ઉપનિષદનો વિચાર,ગીતાનો વિચાર..ભગવાનનું સર્જન એટલે આ સૃષ્ટિનું દરેક સર્જન..ભગવાનનું કામ એટલે વેદનો વિચાર પ્રત્યેક વ્યક્તિ સુધી લઈ જવાનું કામ, લોકોનાં જીવન બદલાવવાનું કામ,સમાજને ઉન્નત કરવાનું કામ અને આ બધુ જ પોતાનો હિસ્સો રાખ્યા વગર જ કરવાનું,પદ,પ્રતિષ્ઠા,પાવર કે પોઝીશન વગર જ કરવાનું છે કારણ કે ભગવાન તો ભાવનો ભુખ્યો છે.
કાર્યમાં કુશળતા એટલે યોગ.મારી કુશળતા જો ભગવાન સાથે જોડાય તો જ તે યોગ બને. જે શક્તિ ભગવાને મને આપી તે શક્તિ જો હું મારા માટે જ વાપરૂં તો હું સ્વાર્થી બનું, જો ભગવાને આપેલી શક્તિ બીજા માટે વાપરૂં તો કૃપણ બનું અને જો ભગવાને આપેલી શક્તિ ભગવાન માટે જ વાપરૂં તો હું ભક્ત બનું.દુર્યોધને શક્તિ માત્ર પોતાના માટે વાપરી, કર્ણએ શક્તિ ફક્ત બીજા માટે વાપરી જ્યારે અર્જુને શક્તિ ફક્ત ભગવાન કૃષ્ણ માટે વાપરી.અર્જુન યોગી છે કારણ તેણે પોતાની શક્તિ ફક્ત ભગવાન માટે વાપરી છે.મારી નિપૂણતા મારે ભગવાનને માટે વાપરવી છે એ જ યોગ કહેવાય છે.મારે કૃપણ બનવું નથી,મારે યોગી બનવું છે.
કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ
જન્મબંધવિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયમ્
સમબુદ્ધિથી યુક્ત જ્ઞાની સાધકો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો એટલે કે સંસારમાત્રનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઇને નિર્વિકાર પદને પ્રાપ્ત થઇ જાય છે.(ગીતાઃ૨/૫૧)
જેઓ સમતાથી યુક્ત છે તેઓ જ વાસ્તવમાં મનીષિ એટલે બુદ્ધિમાન છે.બુદ્ધિના અનેક પ્રકારમાંનો એક પ્રકાર મનીષા છે.જેનું મન બુદ્ધિના કહ્યામાં રહે તે મનીષિ છે.સામાન્ય રીતે ચંચળ મન અનર્થોનું ચિંતન કરતું રહે છે જે બુદ્ધિને ગમતું નથી.આવી બુદ્ધિ પોતાના જ મનના ત્રાસથી થાકી જતી હોય છે પણ સાધના કર્યા પછી વ્યક્તિને મનીષા નામની બુદ્ધિ પ્રાપ્ત થાય છે.જે મનને પોતાના આધિન રાખી શકે છે એટલે કે બુદ્ધિને ગમે તેવું જ મન ચિંતન કરે છે.
કર્મ તો ફળના રૂપમાં પરીણમે જ છે,એના ફળનો ત્યાગ કોઇ જ કરી શકતું નથી.કોઇ ખેતીમાં નિષ્કામભાવથી બીજ વાવે તો શું ખેતરમાં અનાજ નહી ઉંગે? વાવ્યું છે તો પેદા અવશ્ય થશે.એવી જ રીતે કોઇ નિષ્કામભાવપૂર્વક કર્મ કરે છે તો તેને કર્મનું ફળ તો મળશે જ.અહી કર્મજન્ય ફળનો ત્યાગ કરવાનો અર્થ છે કર્મજન્ય ફળની ઇચ્છા, કામના,મમતા અને વાસનાનો ત્યાગ કરવો.સમતાયુક્ત મનીષિ સાધકો જન્મરૂપ બંધનથી મુક્ત થઇ જાય છે કારણ કે સમતામાં સ્થિર થઇ જવાથી તેઓમાં રાગ-દ્વેષ,કામના,વાસના,મમતા વગેરે દોષો રહેતા નથી આથી તેઓના પુનઃજન્મનું કારણ રહેતું નથી,તેઓ જન્મ-મરણરૂપ બંધનથી કાયમના માટે મુક્ત થઇ જાય છે.આમય-રોગને કહે છે.રોગ એક વિકાર છે.જેમાં સહેજપણ કોઇપણ પ્રકારનો વિકાર ના હોય તેને અનામય એટલે કે નિર્વિકાર કહે છે.વાસ્તવમાં અનામય પોતાનું સ્વરૂપ કે પરમાત્માતત્વ જ છે કેમકે તે ગુણાતીત તત્વ છે.જેને પ્રાપ્ત થઇને પછી કોઇને પણ જન્મ-મરણના ચક્કરમાં આવવું પડતું નથી.જ્યારે ઉત્પત્તિ-વિનાશશીલ પદાર્થોની સાથે સબંધ રહેતો નથી ત્યારે સ્વતઃસિદ્ધ નિર્વિકારતાનો અનુભવ થઇ જાય છે તેના માટે કોઇ પરીશ્રમ કરવો પડતો નથી.આ શ્ર્લોકથી એ સિદ્ધ થાય છે કે કર્મયોગ મુક્તિનું,કલ્યાણપ્રાપ્તિનું સ્વતંત્ર સાધન છે.કર્મયોગથી સંસારની નિવૃત્તિ અને પરમાત્માતત્વની પ્રાપ્તિ થઇ જાય છે.
કર્મયોગની વાત ચાલે છે પણ ઢસરડા એટલે કર્મયોગ નહિ.પૂર્ણ પરિપક્વતાથી કૃતિ કરવાની અને એ કૃતિથી આવનારૂં પરિણામ નથી જ લેવાનું આ વૃત્તિ જ કર્મયોગ કહેવાય છે.જ્ઞાન વગર ક્રિયા થતી નથી.જે ક્ષણે જ્ઞાન થયું તે ક્ષણથી માણસ ક્રિયા કર્યા વગર રહી જ ન શકે પણ જે જ્ઞાન કાર્યાન્વિત થતું નથી તે જ્ઞાનને લુખાશ છે તેથી મહાન થયેલા લોકો પ્રભુ સાક્ષાત્કાર થયા પછી કે બ્રહ્મને ઓળખ્યા પછી એક ઓટલા પર બેસી રહ્યા નહિ પણ લોકોમાં ગયા,તેમનાં જીવન બદલાવ્યા,તેમને ઈશ્વરાભિમુખ કર્યા અને પોતાનું જીવન લોકોની વચ્ચે રહીને વિતાવ્યું,આ માટે તેમણે કંઈ અપેક્ષા ન રાખી,જે મળ્યું તે લીધુ.ફળ પણ તોડ્યું નહિ પણ નીચે પડેલું લીધું.ભગવાન પણ આવા લોકોને કંઈક આપવા ઘેલા થાય પણ આ લોકોને કંઈ જોઈએ જ નહિ.ભગવાન આપવા દોડે તો આ લોકો ના પાડવા પણ રોકાય નહિ,ચાલ્યા જ જાય.આવા લોકો એટલે જ ઋષિ-સંત કે સાધક કહેવાય.આવા લોકોએ જે કામ કર્યુ હોય તેનું ફળ તે લેવાની ના પાડે,કર્મ કર્યુ હોય એટલે ભગવાને ફળ આપવુ પડે તેથી આવા ફળ ભેગા થાય અને સંસ્કૃતિનું ખાતર બને.
આ લોકોને જન્મ-મરણની પડી નથી.એ તો “રામ રાખે તેમ રહીએ” કહેવાવાળા છે.પોતાને કંઈ જોઈતું નથી-તેવા આ લોકો છે.તે ભગવાનની ગરજે જન્મતા હોય છે.કર્મ પણ નહિ અને કર્મફળ પણ નહિ.પ્રારબ્ધ નહિ તેથી પરિણામ પણ નહિ.આ લોકો ભગવાનને પણ કહી દે કે “તમારે માટે આવું છું,મારે કંઈ કામ નથી. તમે કહો છો તેથી આવું છું.” આ ભગવાનના થયેલા લોકોનો મિજાજ છે.આ બધો મિજાજ ભગવાનનું બુદ્ધિપૂર્વક કામ કર્યુ છે તેથી છે.મનમાં સ્વીકાર્યું,બુદ્ધિથી સમજાયુ અને હ્રદયથી કૃતિ થઈ,આમ કર્મયોગ ઉભો થયો અને જીવન ભગવાનને ગમતું થયું.આવું જેમનું જીવન થયુ તે લોકોને વારંવાર જન્મ લેવો પડતો નથી.આ લોકો જન્મ-મરણથી પર છે,ફક્ત ભગવાનના જ તે છે.આ લોકો ભગવાનનું જ માને,તેથી ભગવાન જ તેમને સાથે રાખે.ભગવાન પોતાની પાસે બેસાડે,તેમનું ધ્યાન રાખે,તેમની વાત માને.આ જ પરમપદ..જે કર્મયોગ કરે,ભગવાન તેના થઈ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)