“મારી સાથે કામે કેમ નથી આવતો” કહી આરીફને પથ્થર વડે માર માર્યો, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
Morbi,તા.17
મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે જૂની પૈસાની લેતીદેતી અને સેન્ટિંગ કામ સાથે ન કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામના જ એક શખ્સે યુવકના વાળ પકડી રસ્તા પર પાડી દઈ દીવાલ સાથે માથું ભટકાવતા યુવક બેભાન થઈ ગયો હતો.
ફરિયાદ મુજબ, બેલા (આમરણ) ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ જામ (ઉં.વ. ૨૫) ગત તારીખ ૧૫ જુલાઈના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આજુબાજુ તેમના મિત્રો મુસ્તાકભાઈ મલ્લા અને ફારુકભાઈ જામ સાથે ગામની શેરીમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં બેઠા હતા. તે દરમિયાન રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં ત્યાં ધસી આવેલા ઈકબાલ ઉમરભાઈ જામ નામના શખ્સે ગાળો ભાંડી “મારી સાથે કામે કેમ નથી આવતો?” તેમ કહી ઝઘડો કર્યો હતો. આરીફભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈકબાલે શર્ટનો કાંઠલો પકડી બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો. બચવા જતાં આરીફભાઈના વાળ પકડીને રસ્તા પર પાડી દીધા હતા અને પથ્થર તેમજ દીવાલ સાથે માથું ભટકાવી દીધું હતું. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં આરીફભાઈ ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. બનાવ બાદ આરીફભાઈને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર હાલત હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. યુવકના જણાવ્યા અનુસાર અગાઉ ગામના જ ઈકબાલ ઉમરભાઈ જામ નામના શખ્સ સાથે સેન્ટિંગ કામે જતા હતા. જો કે, થોડા સમય પહેલાં બંને વચ્ચે રૂપિયાની બાબતે વાંધો પડતા આરીફભાઈએ તેની સાથે કામે જવાનું બંધ કરી દીધું હતું. આ બાબતની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરીફભાઈ સેન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પોતે ત્રણ ભાઈ એક બહેનમાં નાનો અને અપરણીત છે. હાલ પોલીસે હુમલાખોર ઈકબાલ જામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

