ફિલ્મી ઢબે અપહરણ કરી શહેરમાં ફેરવી માર માર્યાનો યુવાનનો આક્ષેપ
Rajkot,તા.18
શહેરના આલપ ગ્રીન સિટી પાસે ગાડી સીઝિંગના કામના બાકી નીકળતા માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરી આરોપી તેને કારમાં ગોંધી રાખી, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરવીને પાઇપ વડે બેરહેમ માર મારી, લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકી નાસી છૂટ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો અને ગાડી સીઝિંગનું કામ કરતો મયુર વશરામભાઈ પરમાર (ઉં.વ. ૨૪) આજે સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ આલપ ગ્રીન સિટી પાસે બેઠો હતો. ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, હોસ્પિટલના બિછાને મયુરભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે બેઠો હતો તે દરમિયાન ત્યાં નદીમ હબીબભાઈ બેલીમ નામનો શખ્સ પોતાની ક્રેટા કાર લઈને ધસી આવ્યો હતો. નદીમે કારમાંથી ઉતરીને અચાનક જ મયુર પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ તેને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી નાસી છૂટ્યો હતો. આરોપી નદીમ બેલીમ ભોગ બનનાર મયુરને કારમાં પૂરીને આખા શહેરમાં ફેરવતો રહ્યો હતો, આ તમામ વિસ્તારોમાં તેને માર માર્યા બાદ માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી કેકેવી ચોક પાસે કારમાંથી નીચે ઉતારી મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર મયુર બે ભાઈઓમાં નાનો અને કુંવારો છે. તે ‘જય માતાજી’ નામથી ગાડી સીઝર (ગાડી જપ્ત કરવાનું) કામ કરે છે. આરોપી નદીમ પાસેથી મયુરે આશરે ૮ મહિના પહેલા ગાડી સીઝિંગના કામ પેટે ₹૧૫,૦૦૦ લેવાના નીકળતા હતા. લાંબા સમયથી આ પૈસા ન આપતા મયુરે ઉઘરાણી કરી હતી તે બાબતનો ખબર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.

