(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.2
લીલીયા તાલુકાના ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે ગત સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક અજાણ્યા ટ્રક પાછળ બાઈક ધડાકાભેર અથડાતા આ સર્જાયેલી આ દુર્ઘટનામાં બે કિશોર અને 1 યુવક સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં.. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે પ્રથમ લીલીયા અને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરેલ છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, લીલીયા તાલુકાના ઢાંગલા ગામની સીમમાં વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના 4 સભ્યો એક જ મોટરસાઈકલ નં.જીજે-06-કેઈ-3954 ઉપર થઈને જઈ રહ્યા હતા. ગઈકાલે રાત્રિના અંધકારમાં ગુંદરણ અને ઢાંગલા વચ્ચે આગળ જઈ રહેલા એક ટ્રક નં.જીજે-14-ઝેડ-2749 પાછળ મોટર સાઈકલ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સવાર યુવાનોને બચવાની તક પણ મળી નહોતી.
આ અકસ્માતમાં 12 વર્ષીય કિશોરની ખોપડી ફાટી જતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં જયેશ બરસિંગ (ઉં.વ. 17) હેમરાજ સવેલ સિંગ (ઉં.વ.14) રઈલેશ સવેલ સિંગ (ઉં.વ. 12) ના મોત નિપજ્યું હતું ત્યારે સુનીલ સવેલ સિંગ ઉં.વ.18 ગંભીર ઈજા થતાં પ્રથમ લિલીયા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરેલ છે.
આ તમામ શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે, પરંતુ છેલ્લા 16 વર્ષથી આ વિસ્તારમાં સ્થાયી થઈ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એકસાથે ત્રણ યુવાનોના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન ફેલાયું છે.
આ ઘટનાની જાણ થતા જ લીલીયા પોલીસ સ્ટેશનના આઈ. એમ.ડી.સાળુંકે તેમજ પી.એસ.આઈ.વાય.એમ. જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીલીયા સિવિલ ખહોસ્પિટલ ખસેડી વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

