New Delhi,તા.10
હાલ દેશમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં કાળજાળ ગરમી પડી રહી છે જ્યારે દક્ષિણ ભારતમાં ભારેથી અતી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાનના ગંગાનગરમાં તાપમાન ૪૭.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજ્યના સાત શહેરો એવા છે કે જ્યાં સરેરાશ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં પણ તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જ્યારે દક્ષિણપશ્ચિમનું ચોમાસુ ૧૨મી જૂનથી ફરી સક્રિય થશે. કર્ણાટકમાં ૧૨થી ૧૩ જૂન દરમિયાન ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. ગોવામાં પણ ૧૩થી ૧૫ જૂને ભારે વરસાદની આગાહી કરાઇ છે.
રાજસ્થાનના મોટા ભાગના શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીને પાર ગયું હતું, ગંગાનગરમાં ૪૭.૪ ડિગ્રી જ્યારે બીકાનેરમાં ૪૬ ડિગ્રી, બાડમેરમાં ૪૫.૯ ડિગ્રી, ચૂરૂમાં ૪૫.૬ ડિગ્રી, ફલોદીમાં ૪૫.૪ ડિગ્રી, જૈસલમેરમાં ૪૫.૨ ડિગ્રી, કોટામાં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું અને લોકોએ હીટવેવનો સામનો કરવો પડયો હતો. હજુ બે દિવસ સુધી રાજસ્થાનનું તાપમાન ટોચના સ્થાને રહેવાની શક્યતાઓ છે. રાજસ્થાનના ૯ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું હતું જ્યારે બે જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજધાની દિલ્હીનું તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યું હતું, દિલ્હીમાં પણ આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી કોઇ રાહત નહીં મળે જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હતું.
રાજધાનીના આયા નગરમાં મહત્તમ ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ૨૧૯ રહ્યો હતો જેને પગલે એક તરફ ગરમી અને બીજી તરફ પ્રદૂષણનો માર દિલ્હીના લોકોએ સહન કરવો પડયો હતો. ઉત્તર-પશ્ચિમમાં એક સપ્તાહ સુધી વરસાદની કોઇ જ શક્યતા નથી. ઉત્તર પ્રદેશમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીને પાર રહ્યું હતું, લખનઉમાં તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું હતું. જોકે ઉત્તર પ્રદેશમાં પ્રી-મોનસૂનની આગાહી કરાઇ છે જેને પગલે સામાન્ય વરસાદથી ગરમીમાં રાહત મળી રહેશે.
ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે જ્યારે બીજી તરફ દક્ષિણમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. કર્ણાટકમાં ભારેથી અતી ભારે વરસાદને પગલે ૨૦ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું. ૧૦થી ૧૩ તારીખ સુધી કર્ણાટકમાં વરસાદનો કેર વધી શકે છે.
કેરળ, તમિલનાડુમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અન્ય રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં પણ બેથી ત્રણ દિવસમાં વરસાદની આગાહી છે.