અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જી તો બંગાળીઓને પલાયન કરવા પર મજબૂર કરી રહ્યા છે
Kolkata, તા.૨૨
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન માછલી ખાવાને લઈને ઊભા થયેલા વિવાદ પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જવાબ આપતા કહ્યું કે, તેમની પાર્ટી ક્યાંય પણ ખાન-પાન, ધર્મ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક નથી લગાવતી. તેમણે જણાવ્યું કે, તેઓ વર્ષોથી બંગાળ આવીને સ્થાનિક ભોજનનો આનંદ માણી રહ્યા છે અને ભાજપ સત્તામાં આવશે તો પણ લોકોની ખાવા-પીવાની આઝાદી જળવાઈ રહેશે. અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેમની સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપે છે, ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે અને રાજ્યમાં બેરોજગારી તથા મહિલાઓની અસુરક્ષા વધી છે. તેમણે સંદેશખાલી જેવી ઘટનાઓનો હવાલો આપતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જી તો ઘૂસણખોરોને રક્ષણ આપે છે. બંગાળીઓને પલાયન કરવા પર મજબૂર કરી રહ્યા છે. બંગાળના યુવાનો પલાયન કરી રહ્યા છે. ચારેબાજુ બેરોજગારી છે. બાળકોના મિડ ડે મીલના પૈસા ખાઈ જાય છે. અનાજ કૌભાંડ થઈ જાય છે. એટલું જ નહીં, સીમા પર વાડ લગાવવા માટે જમીન પણ આપતા નથી. જ્યારે કંઈ કર્યું નથી ત્યારે ડર અને ભ્રમ ફેલાવી રહ્યા છે. અહીંની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે. સંદેશખાલીથી લઈને આરજીકર જેવી ઘટનાઓમાં મહિલાઓ બળાત્કાર, અત્યાચાર અને ગુનાહિત ઘટનાઓનો શિકાર બની રહી છે. અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, ’હું એટલું જ કહીશ, મમતાજી ભ્રમ ના ફેલાવો, અફવાઓ ના ફેલાવો. અમે સત્તામાં આવીશું તો લોકો માછલી ભાત પણ ખાશે અને સંદેશ પણ ખાશે. અમે સોનાર બાંગ્લા પણ બનાવીશું.’ પીએમ મોદીના ભેળ (ઝાલમુડી) ખાવા પર સીએમ મમતા બેનર્જી તરફથી કરવામાં આવેલા હુમલા પર અનુરાગ ઠાકુરે કહ્યું કે, ’દુનિયાના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન સતત ત્રીજી વખત ચૂંટાઈને આવ્યા છે. તેઓ એક નાની દુકાન પર ઝાલમુડી ખાવા માટે રોકાય છે, લોકો સાથે આ વાત શેર કરે છે, આનાથી મોટી સ્વાગત યોગ્ય ઘટના શું હોઈ શકે, પરંતુ મમતાજી કહે છે કે, વડાપ્રધાનના ખિસ્સામાં ૧૦ રૂપિયા ક્યાંથી આવ્યા. અરે મમતાજી, તમારા કટ મની અને કટ કમિશન ખાનારાઓએ લોકોના ખિસ્સામાં ૧૦ રૂપિયા પણ નથી છોડ્યા. વડાપ્રધાન ઝાલમુડી ખાય તો પણ તમને પીડા થાય છે. અરે તમે બંગાળ લૂંટીને ખાઈ ગયા. જનતાના મનમાં જે પીડા છે, આ મમતા વિરુદ્ધ જનતાની ચૂંટણી છે. જનતા જીતશે અને તમારી વોટ પેટી પણ એવી જ ખાલી કરશે જેવી તમે લોકોના ખિસ્સા ખાલી કર્યા છે.’
સીએમ મમતા દ્વારા આઈપેકના લોકોને સરકારી નોકરી આપવાના વાયદાના સવાલ પર અનુરાગે કહ્યું કે, ’તમે કેમ સતત મમતાજીનું પેનિક બટન દબાવી રહ્યા છો. ભ્રષ્ટ અધિકારીના પક્ષમાં કોણ ઉતરે? ભ્રષ્ટ કંપનીના પક્ષમાં કોણ ઉતરે? ખાલી મમતા બેનર્જી… એક ખાનગી કંપનીના પક્ષમાં એક રાજ્યના મુખ્યમંત્રીનું ઉતરવું એ બતાવે છે કે, ભ્રષ્ટાચારના તાર ક્યાં સુધી જોડાયેલા છે. આ તાર હવે આખી જનતા જાણી ગઈ છે.’

