Iran,તા.19
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પરમાણુ મંત્રણાના તણાવ વચ્ચે દક્ષિણ ઈરાનમાં આવેલા ભૂકંપે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. 5.5ની તીવ્રતાના આ ભૂકંપને કેટલાક લોકો ઈરાનનો ગુપ્ત `પરમાણુ ટેસ્ટ’ માની રહ્યા છે.
દક્ષિણ ઈરાનમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે સપાટી પર ધ્રુજારી વધુ અનુભવાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ઈરાન અત્યારે અમેરિકા સાથે યુદ્ધના મુહાણે ઉભું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હુમલાની ધમકી અને પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ ભૂકંપ આવતા સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ઈરાને ગુપ્ત રીતે કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે? જોકે, સત્તાવાર રીતે આવી કોઈ પુષ્ટિ થઈ નથી.
