એક સેમિકંડક્ટર એટલે કે એક ચિપ બનાવવામાં ૧૪૦ લિટર પાણીનો અને ૧.૫ કિલોવોટ વીજળીની જરુર પડે છે
New Delhi, તા.૩૦
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શરૂઆત થઈ ચૂકી છે. આ અંતર્ગત સેમિકંડક્ટર ક્ષેત્રમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને તેના વિકાસને વેગ આપવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ના ડાયરેક્ટર ડૉ. મનિષકુમાર હુડા પણ ખાસ હાજર રહ્યા હતા.ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ભારતમાં અત્યાર સુધીમાં સેમિકંડક્ટર ઉત્પાદન માટે કુલ ૧૨ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૬ પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં જ સ્થાપવામાં આવી રહ્યા છે. આ સફળતા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીએ સેમિકંડક્ટર ક્ષેત્રમાં રોકાણકારોને આકર્ષવા માટે ઘણી વહેલી પોલિસી (નીતિ) બનાવી દીધી હતી. હાલમાં દેશભરમાં આ ક્ષેત્રે આશરે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું મોટું રોકાણ થઈ ચૂક્યું છે. આગામી સમયમાં ભારતમાં બીજા ૬ નવા પ્રોજેક્ટ્સ શરૂ થાય તેવી પૂરી સંભાવના છે, જેના કારણે અત્યારે દેશના ૧૨ રાજ્યો વચ્ચે વધુને વધુ રોકાણ મેળવવા માટે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.’ડૉ. મનિષકુમાર હુડાએ વધુમાં કહ્યું હતું કે, ‘સેમિકંડક્ટરની ૨૦૩૫ સુધીમાં ભારત પોતાની જરુરિયાતના ૫૦% સેમિકંડક્ટરનું ઉત્પાદન કરતું હશે બીજી તરફ ૨૦૩૦ સુધીમાં વિશ્વની સેમિકંડક્ટરની માગ ૧૧૦ બિલિયનથી વધીને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે. ભારત મેન્યુફેક્ચરિંગમાં ભલે પાછળ રહ્યું હોય પણ સેમિકંડક્ટરની ડિઝાઇન ૧૯૯૯થી બનાવી રહ્યું છે અને આ એક મહત્ત્વની પ્રક્રિયા છે. જેના દમ પર અને વિશાળ માર્કેટના આધારે, સરકારની નીતિઓના કારણે હવે આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને ભારત રોકાણ માટે આકર્ષી રહ્યું છે.’એક સેમિકંડક્ટર એટલે કે એક ચિપ બનાવવામાં ૧૪૦ લિટર પાણીનો અને ૧.૫ કિલોવોટ વીજળીની જરુર પડે છે. તેના માટે સતત વીજ સપ્લાય પૂરો પાડવો પડે છે. સેમિકંડક્ટર ક્ષેત્રની આ જરુરિયાત પૂરી પાડવાની ક્ષમતા ભારત પાસે છે.

