Amreli,તા.25
ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા ગોપાલગ્રામમાં રાત્રિના સમયે 9 સિંહોનું ટોળું ઘૂસતા ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા સિંહોએ ત્રણ પશુઓનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચિંતા વ્યાપી છે.
મળતી માહિતી મુજબ, ગોપાલગ્રામના ભક્તિપરા વિસ્તાર તેમજ મેઈન બજારમાં અચાનક સિંહોનું ટોળું ત્રાટક્યું હતું. ગામમાં ઘૂસેલા સિંહોએ ત્રણ પશુઓને શિકાર બનાવતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સિંહો શિકાર કરતા નજરે પડે છે.
ઘટનાની જાણ થતા વનવિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું અને સિંહો દ્વારા મારેલા પશુઓને જંગલ વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ધારી ગીર પંથક સિંહોના સામ્રાજ્ય તરીકે ઓળખાય છે, જ્યાં સિંહોના ટોળાઓ ગામડાંઓની આસપાસ ફરી રહ્યા હોવાના બનાવો સામે આવતા રહે છે.
પાણી અને શિકારની શોધમાં સિંહો માનવ વસાહતો તરફ વળતા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે અને વનવિભાગે સતર્કતા વધારી સિંહોની હરકતો પર નજર રાખવાની કામગીરી શરૂ કરી છે.

