Mumbai, તા.16
મુંબઇ-મહારાષ્ટ્રમાં યોજાયેલી 29 કોર્પોરેશનોની ચૂંટણીની મત ગણતરી શરૂ થતાં જ પ્રારંભિક ટ્રેન્ડ આવવા લાગ્યા હતા જે અંતર્ગત ભાજપ ગઠબંધન આગળ છે. એકઝીટ પોલના તારણો સાચા પડવાના સંજોગોમાં મુંબઇમાં ભાજપ ધૂરંધર સાબિત થઇ શકે છે.
મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ 29 કોર્પોરેશનોની ચૂંટણી થઇ હતી. આજે સવારથી મતગણતરી શરુ થઇ હતી. દેશના રાજકીય પક્ષો તથા નેતાઓની નજર મુખ્યત્વે મુંબઇ કોર્પોરેશન પર હતી. મુંબઇ કોર્પોરેશન 74000 કરોડના બજેટ સાથેનું માત્ર મહારાષ્ટ્ર કે ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયાની સૌથી મોટી નાગરિક સંસ્થા છે. આર્થિક પાટનગર પર કબ્જો પ્રતિષ્ઠાજનક છે.
મુંબઇ કોર્પોરેશનની કુલ 227 બેઠકો છે. બહુમતી માટે 114 બેઠકો જરૂરી છે. ગઇકાલે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝીટપોલમાં ભાજપ ગઠબંધનને 151 બેઠકો મળવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું.
આજે મતગણતરીના પ્રારંભીક ટ્રેન્ડમાં ભાજપ 31, શિવસેના 17, કોંગ્રેસ 7, એનસીપી 3, મનસે 7 તથા યુબીટી (ઉધ્ધવ જુથ) 21 બેઠકો પર આગળ છે. આ સંજોગોમાં ભાજપ ગઠબંધનને સત્તા મળી શકે છે.
1997 થી 2017 સુધી મુંબઇમાં શિવસેનાનું રાજ રહ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ કોર્પોરેશન પણ ઠાકરે જુથ પાસેથી આંચકી શકે છે. ચૂંટણીમાં ભાજપ 137 બેઠક પર જ્યારે શિંદેની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
બીજી તરફ ઉધ્ધવ ઠાકરે જુથે મનસે સાથે ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસ અને બહુજન અઘાડીએ જોડાણ કર્યું હતું. આમ ત્રણ ગઠબંધનો વચ્ચે પ્રતિષ્ઠાનો મુકાબલો રહ્યો હતો.
કોર્પોરેશનમાં 2017 પછીના આ પ્રથમ મહાજંગ ખેલાયો હતો અને તેના પર દેશભરની નજર છે. ઉધ્ધવ તથા રાજ ઠાકરેએ દાયકાઓ બાદ હાથ મિલાવીને ચૂંટણી લડ્યા હતા. મરાઠી અસ્મિતાનો મુદ્દો ચગાવ્યો હતો. ઠાકરે ભાઇઓનું પુનઃ મિલન મતમાં પરિવર્તિત થાય છે કે કેમ તેના પર મીટ હતી.

