New Delhi, તા.21
દેશમાં સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ પુરવાર થયેલી અટલ પેન્સન યોજનાની મુદત હવે પાંચ વર્ષ વધારાઈ છે. અને આ યોજના 2030-31 સુધી ચાલુ રહેશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
સાથોસાથ વધુને વધુ લોકોને આ યોજનાનો લાભ મળે તે માટેનો પ્રચાર અને જરૂરી નાણાકીય જોગવાઈ માટે મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબીનેટ દ્વારા સામાજીક સુરક્ષાને વધુ મહત્વ આપવા આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય 9 મે 2015માં કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રના કામદારો માટે આ યોજના મહત્વપૂર્ણ પુરવાર થઈ હતી અને અત્યાર સુધીમાં 8.66 કરોડ લોકો જેમાં જોડાયા છે જેમાં સામાન્ય ફાળા બાદ વ્યકિતને 60 વર્ષ પછી રૂા.1000થી 5000 સુધીનું પેન્શન દર મહિને આપવામાં આવે છે.
કેન્દ્રીય કેબીનેટે બીજા નિર્ણયમાં દેશમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂા.5 હજાર કરોડની નવી ઈકવીટી સીડબીને આપવા નિર્ણય લેવાયો છે જેના કારણે લઘુ ઉદ્યોગોને 2025-26ના વર્ષમાં રૂા.3 હજાર ક્રોડ અને બાદમાં બે વર્ષમાં રૂા.1-1 હજાર કરોડનું ધિરાણ મળશે જેનું વ્યાજદર અત્યંત ઉંચો હશે. જેના કારણે લઘુઉદ્યોગોમાં 1.12 કરોડ નવી નોકરીઓ પણ સર્જાશે.

