Prabhaspatan,તા.1
ભગવાન બુદ્ધના જીવનની ત્રણ મહત્વની ઘટનાઓનું સૌથી વિશેષ મહત્વ છે. તેથી બુદ્ધ પૂર્ણિમાને ત્રિવિધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધનું સિદ્ધાર્થ તરીકે માતા મહામાયાના કુખે લૂંબીની વનમાં શાલ વૃક્ષોની નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે પૃથ્વી અવતરણ(જન્મ) થયું હતું. આ પ્રથમ ઘટના છે.
રાજકુમાર સિદ્ધર્થને ગયામાં પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાની વહેલી સવારે બોધિ-જ્ઞાન પ્રાપ્ત થયું અને સિદ્ધાર્થમાંથી સમ્યક સમબુદ્ધ બન્યા હતા. અને જગતને મહાન ધમ્મની ભેટ મળી. આ બીજી ઘટના છે. ત્રીજી ઘટના છે.
બુદ્ધ બન્યા પછી ભગવાન બુદ્ધે પિસ્તાલીશ વર્ષ સુધી ધમ્મયાત્રા કરી લોકોને ધમ્મદાન કરી એંસી વર્ષની ઉમરે કુશીનારામાં બે શાલ વૃક્ષોની વચ્ચે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી મહાપરીનિર્વાણ પામ્યા.
આમ આ ત્રિવિધ ઘટનાઓ વૃક્ષોની નીચે, જંગલમાં, પ્રકૃતિની ગોદમાં અને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ બનવા પામી છે. તેથી આ ત્રિવિધ ઘટનાઓ જગતની મહાન ઘટનાઓ તરીકે ઓળખાય છે.
વિશ્વને શ્રેષ્ઠ ધમ્મ અને શ્રેષ્ઠ ભગવાન આ દિવસે જગતને મળવા એ વિશ્વનું, માનવમાત્ર અરે ! તમામ જીવમાત્રનું અહોભાગ્ય છે. તેથી જગતમાં આ દિવસને વિશ્વનો મંગલદિવસ કહેવાય છે અને મંગલદિવસ તરીકે વિશ્વભરમાં તેની હર્ષોલ્લાસથી પુરા આદર સાથે ઉજવણી થાય છે.

