Ahmedabad , તા.22
ગુજરાત રાજ્ય જીએસટી વિભાગે અમદાવાદ સ્થિત એક ફાર્માસ્યુટિકલ ગ્રુપની કુલ 11 સંબંધિત પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે જીએસટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.
તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે ઘણી પેઢીઓ અમદાવાદ ખાતે આવેલ એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના જીએસટી રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવેલ.
જયારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં સંડોવાયેલી હતી. RFID, ઇ-વે બિલોઅને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પરના (પેપર ટ્રાન્ઝેક્શન) હોવાનું ફલિત થયેલ. તદુપરાંત, કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ જણાયેલ.
વધુમાં, રેકોર્ડ આધારિત ચકાસણી મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ.114.89કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવેલ.
આમ,આ તપાસો દરમિયાન મળી આવેલ કર ચોરીની રકમ રૂ.5કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો Cognizable અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઇ બે વ્યક્તિઓની ધરપકડ કરી.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવેલ. જેઓને કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.આ મામલે વધુ તપાસ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો (ફાઇનાન્શિયલ ટ્રેલ્સ) તથા આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ કરચોરી સામે કડક કાર્યવાહી કરવા અને સરકારની આવકનું સંરક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સુનિશ્ચિત કરે છે.

