Ahmedabad,તા,05
અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાની ઘટના સામે આવી છે. કુબેરનગર વોર્ડના વર્તમાન કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન સુરજભાઈ નવલેકર સામે ચૂંટણી ઉમેદવારી પત્રકમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું ખોટું અને બોગસ સ્કૂલ L.C. બનાવીને રજૂ કરવા બદલ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ સ્કૂલના સંચાલક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની ફરિયાદ મણિનગર વિસ્તારમાં રહેતા અને ધંધો કરતા 68 વર્ષીય અશોકકુમાર કાંતિલાલ પટેલે નોંધાવી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ભાવના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલ, કૃષ્ણનગર ના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમની ફરિયાદ મુજબ, કલ્પનાબહેન નવલેકરે તેમની શાળામાં ક્યારેય પણ અભ્યાસ કર્યો ન હોવા છતાં, શાળાના નામનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવીને તેને સાચા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીના નામાંકન સમયે રજૂ કરી તેનો દુરુપયોગ કર્યો હતો. પોતાની શાળાના નામનો ખોટો પુરાવો ઊભો કરી ગુનો આચરવામાં આવ્યો હોવાથી તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કૌભાંડનો પર્દાફાશ મોટેરાના રહેવાસી ચિરાગ પ્રવીણચંદ્ર શાહ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને 24મી એપ્રિલના રોજ કરવામાં આવેલી અરજી બાદ થયો હતો. અરજીના આધારે શિક્ષણ નિરીક્ષક આર.એમ. માકડિયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક હિમાંશુ સી. વ્યાસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી શાળાના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે કલ્પનાબહેને રજૂ કરેલા એલ.સી.માં જી.આર. નંબર 1248 અને એલ.સી. ઇશ્યુ નંબર 3194 દર્શાવેલ છે, જ્યારે શાળાના અસલ રજિસ્ટરમાં જી.આર. 1248 પર ચાવડા હસમુખભાઈ મધુકાન્ત અને એલ.સી. 3194 પર સોની અંકિતકુમાર ગીરીશભાઈનું નામ નોંધાયેલું છે. આ ઉપરાંત એલ.સી.માં દર્શાવેલી તારીખે કલ્પનાબહેનના નામની કોઈ જ એન્ટ્રી શાળાના ચોપડે મળી ન હતી. આ સ્પષ્ટ તપાસ અહેવાલના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તમામ 8 જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેની વધુ તપાસ હવે પોલીસ ઇન્સ્પેક્ટર વિજય હસમુખરાય જોષીને સોંપવામાં આવી છે.

