Ahmedabad,તા.22
ગુજરાતમાં જાહેર માર્ગો અને સરકારી જગ્યાઓ પર ખડકાયેલા ગેરકાયદે ધાર્મિક દબાણો મુદ્દે ચાલી રહેલી સુઓમોટો રિટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
બે મહિનાની કામગીરીનો ચિતાર
ગૃહ વિભાગે અદાલતને જણાવ્યું હતું કે, 1 નવેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાં નડતરરૂપ એવા 48 ધાર્મિક સ્થાનોને દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 38 સ્થાનોને અન્ય જગ્યાએ રિલોકેટ (સ્થળાંતરિત) કરવામાં આવ્યા છે, જ્યારે 30થી વધુ ધાર્મિક સ્થાનોના દબાણોને નિયમો અનુસાર રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યા છે.
કાયદાકીય પ્રક્રિયા અને સમજાવટ પર ભાર
સરકારે હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે આ કામગીરી સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશો મુજબ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં 468 ધાર્મિક સ્થાનોને કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી છે અને 97 કિસ્સાઓમાં અખબારોમાં જાહેર નોટિસ આપીને જાણ કરવામાં આવી છે.
ધાર્મિક લાગણીઓ ન દુભાય અને શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સ્થાનિક ધાર્મિક આગેવાનો સાથે 97 જેટલી બેઠકો પણ યોજવામાં આવી હતી. આ બેઠકોના સકારાત્મક પરિણામ સ્વરૂપે અનેક જગ્યાએ વિવાદ વગર દબાણો દૂર કરી શકાયા છે.
અગાઉની કામગીરી અને ભાવિ આયોજન
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન પણ 261 જેટલા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. આ કામગીરીના સુપરવિઝન માટે જિલ્લા કક્ષાની સમિતિઓ સતત કાર્યરત છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આ વિગતોને રેકોર્ડ પર લીધી છે અને હવે આ મામલે આગામી સુનાવણી માર્ચ મહિનામાં હાથ ધરવામાં આવશે.
