New Delhi, તા. 27
આજે સમગ્ર ભારત દેશ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. દેશવાસીઓમાં નવી ઉર્જાનો સંચાર થાય અને દેશ પ્રગતિના પંથે આગળ વધે તેવી મનોકામના વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક વિશેષ સંદેશ શેર કરતા લખ્યું કે, `તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ અભિનંદન. ભારતની આન, બાન અને શાનનું પ્રતીક એવો આ રાષ્ટ્રીય ઉત્સવ તમારા સૌના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે.
વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને એવી જ કામના છે.’ વડાપ્રધાને પોતાના સંદેશમાં ખાસ કરીને ‘વિકસિત ભારત’ના વિઝન પર ભાર મૂક્યો છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે પ્રજાસત્તાક દિવસનો આ અવસર નાગરિકોને રાષ્ટ્ર નિર્માણ માટે ફરીથી પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કર્તવ્ય પથ પર યોજાનારી પરેડમાં ભાગ લીધો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની થીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

