New Delhi,તા.28
દુનિયાભરનાં કરોડો લોકોનો ડેટા લીક થયો હોવાની મોટી ઘટના સામે આવી છે. જીમેઇલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને નેટફ્લિક્સ સહિત અનેક ઇન્ટરનેટ કંપનીઓનાં 14.9 કરોડથી વધુ એકાઉન્ટ્સના લોગિન ક્રેડેનિ્શયલ્સ, એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ લીક થયા છે. સાયબર સુરક્ષા કંપની `એક્સપ્રેસ ટઙગ’ની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ સંશોધક જેરેમિયા ફાઉલર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, જીમેઇલના 4.8 કરોડ, યાહૂના 40 લાખ, ફેસબુકના 1.7 કરોડ, ઇન્સ્ટાગ્રામના 65 લાખ, નેટફ્લિક્સના 34 લાખ અને આઉટલુકના 15 લાખ ખાતાઓના યુઝરનેમ અને પાસવર્ડ જાહેર થઈ ગયા છે. આ ડેટા કુલ 96 જીબીનો છે, જેમાં ઇમેઇલ આઈડી, પાસવર્ડ અને લોગિન કરવા માટેના ડાયરેક્ટ લિંક્સનો સમાવેશ થાય છે.
પાસવર્ડ સુરક્ષિત નહોતો
ફાઉલરે રિપોર્ટમાં જણાવ્યું છે કે જાહેરમાં સામે આવેલ ડેટાબેસ પાસવર્ડ પ્રોટેક્ટેડ કે એન્ક્રિપ્ટેડ નહોતા. આ ડેટાબેસ જાહેરરૂપે ઉપલબ્ધ હોવાથી, તેને શોધનાર કોઈપણ વ્યક્તિ લાખો લોકોના ક્રેડેન્શિયલ્સ સુધી પહોંચી શકતો હતો.
સામે આવેલા રેકોર્ડ્સમાં વિશ્વભરના પીડિતોના યુઝરનેમ અને પાસવર્ડ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર સોશિયલ મીડિયા નહીં પરંતુ બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ અને ક્રિપ્ટો વોલેટના લોગિન ક્રેડેન્શિયલ્સ પણ સામેલ હોઈ શકે છે.
ઠગાઈનો ખતરો વધ્યો
ડેટા લીક થવાથી ગુનેગારો તમારા નામે ઠગાઈ કરી શકે છે. તમને સાચા જેવા લાગતા ઇમેઇલ મોકલીને છેતરવામાં આવી શકે છે, કારણ કે તેમની પાસે તમારી સાચી માહિતી હોય છે. લોકો ઘણી વખત દરેક જગ્યાએ એક જ પાસવર્ડ ઉપયોગ કરતા હોવાથી, એક પાસવર્ડ લીક થવાથી હેકર્સ તમારા અન્ય મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ (જેમ કે બેંક ખાતા) પણ હેક કરી શકે છે.
અનેક દેશોનાં ડોમેન સાથે જોડાયેલા ક્રેડેન્શિયલ્સ પણ લીક
રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે અનેક દેશોના `.gov’ ડોમેન સાથે જોડાયેલા ક્રેડેનિ્શયલ્સ પણ લીક થયેલા ડેટામાં સામેલ છે. હેકર્સ તેનો ઉપયોગ સરકારી નેટવર્કમાં ઘુસણખોરી કરવા અથવા જાસૂસી માટે કરી શકે છે.
ફાઉલરે જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં લોગિન અને પાસવર્ડ લીક થવાથી અનેક લોકો માટે ગંભીર સુરક્ષા જોખમ ઊભું થયું છે, અને કદાચ ઘણા લોકોને તો હજુ સુધી ખબર પણ નથી કે તેમની માહિતી ચોરી થઈ ગઈ છે અથવા લીક થઈ ગઈ છે.

