UAE,તા.15
પીએમ મોદી શુક્રવાર, 15 મેના રોજ તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કે અબુ ધાબી પહોંચ્યા છે. પીએમ મોદીનું વિમાનના યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ ત્યાંના F-16 લડાયક વિમાનોએ તેમને એસ્કોર્ટ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ઉતરતા જ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. આ સાથે પીએમ મોદીએ ગુજરાતને લઈને યુએઈ સાથે એક ખાસ ડીલ કરી છે.
પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા યુએઈની સુરક્ષા માટે તેની પડખે ઉભું રહેશે. ખાસ કરીને વેપાર અને ઊર્જાના પુરવઠાને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને વહેલી તકે કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ મુશ્કેલ સમયમાં ત્યાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અને પરિવારની જેમ કાળજી લેવા બદલ રોયલ ફેમિલીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને નવી વ્યૂહનીતિને દર્શાવે છે.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્ત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે:
– સામરિક રક્ષણ ભાગીદારી: બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે રક્ષણ ક્ષેત્રે સમજૂતી થઈ.
– ઊર્જા સુરક્ષા: વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ અને LPGના પુરવઠાને લઈને મહત્ત્વના કરાર થયા.
– શિપ રિપેર ક્લસ્ટર: ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ સમજૂતી કરવામાં આવી છે.
– ભારે રોકાણ: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેન્ક અને સન્માન કેપિટલમાં કુલ 5 અબજ અમેરિકન ડૉલરના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રાષ્ટ્રપતિ નાહયાન સાથેની તસવીર શેર કરી તેમને ‘ભાઈ’ કહીને સંબોધ્યા હતા અને ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને ત્યાં 45 લાખથી વધુ ભારતીયો વસે છે. પીએમ મોદીની આ યાત્રા 15થી 20 મે દરમિયાન ચાલશે, જેમાં યુએઈ બાદ તેઓ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. આ યાત્રાનો મુખ્ય હેતુ વેપાર, ટેકનોલોજી, ઊર્જા અને ગ્રીન ડેવલપમેન્ટ ક્ષેત્રે ભારતની વ્યૂહનીતિને મજબૂત કરવાનો છે.

