તું કોર્ટ કેસમાં જુબાની આપતો નહીં કહી હુમલાખોર તૂટી પડ્યો : ગુનો નોંધાયો
Jasdanતા.02
જસદણમાં યુવાન વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટ કેસમાં તું જુબાની આપતો નહિ કહી પેટ્રોલપંપ સંચાલકે હુમલો કરતા યુવક ઘવાયો હતો. જે મામલે જસદણ પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.બનાવ અંગે જસદણના વિવેકાનંદનગર શેરી નં.-2 માં રહેતા 28 વર્ષીય યુવાન વેપારી પ્રતીકભાઇ ચંદુભાઈ વઘાસીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના લાતી પ્લોટમાં રહેતા સંજય હસમુખભાઈ હિરપરાનું નામ આપતાં જણાવ્યું હતું કે, દુકાન બંધ કરી ઘરે જવા નીકળેલ હતો. દરમિયાન લાતી પ્લોટમાં ઘંટી પાસે પહોચતા મારા મોટર સાયકલની ચેન ઉતરી ગયેલ હતી. જેથી મેં મારા કૌટુંબીક ફઈનાં દીકરા સંદીપભાઈ અરવિંદભાઈ હીરપરાને બોલાવેલ હતા. દરમિયાન સંજયભાઈ જે પેટ્રોલ પંપ ચલાવે છે તે મારી પાસે આવી ઉભો રહેલ અને કહેલ કે, તું રવીભાઈ અરવિંદભાઈનાં કેસમાં કોર્ટમાં સાક્ષી પુરાવો આપતો નહિ. જેથી મેં કાઈ જવાબ નહીં આપતા તે ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપી મને ઢીકાપાટુનો માર મારેલ હતો. બાદમાં કમરમાંથી છરી કાઢી મને મારવા જતા મેં છરી પકડતા ડાબા હાથે કોણી પાસે ઈજા થયેલ હતી.
બાદમાં સંદીપભાઈ હીરપરાએ મને વધુ મારા મારમાંથી છોડાવેલ હતા. તે વખતે સંજય હસમુખભાઈ બોલતો હતો કે, આજે તું બચી ગયો હવે પછી ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેનું મોટર સાયકલ લઈને જતો રહેલ હતો. બાદમાં હું સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ગયેલ હતો.સંજયભાઈ હીરપરાના જુના કોર્ટ કેસમાં હું ફરિયાદી ૨વીભાઇ વતી સાક્ષી હોય જેની જુબાની દેવા બાબતે મારી પર હુમલો કરી ખૂનની ધમકી આપવામાં આવી હતી. જસદણ પોલીસે મામલામાં ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
