New Delhi તા.12
ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચા દરમ્યાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કરેલા આકરા પ્રહારો અને તમે દેશ વેચી માર્યો છે તેવા શબ્દો સાથે સરકારને ઘેરવા પ્રયત્ન કર્યો હતો તેમાં હવે ભાજપે રાહુલ ગાંધી સામે નવો મોરચો ખોલ્યો છે અને ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવા માટે એક નોટીસ લોકસભા સચીવાલયને સુપ્રત કરી છે.
હવે તે સ્વીકારાઈ છે કે કેમ તેના પર નજર છે. રાહુલ ગાંધીએ જે રીતે સરકારને ઘેરવા પ્રયત્ન કર્યા હતા અને તેમાં અમેરિકા સાથેની વ્યાપાર સમજુતી સહિતના મુદે તમે દેશને વેચી માર્યો છે અને છતા શરમ આવતી નથી તેવા જે વિધાનો કર્યા હતા તેથી ભાજપમાં એક તબકકે રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટીસ આપવાની ચર્ચા હતી.
પરંતુ ઓચિંતા જ પક્ષના સાંસદ નિશીકાંત દુબેએ રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદ રદ કરવાની દરખાસ્ત માટે નોટીસ આપી છે. એટલું જ નહી રાહુલ ગાંધી બાદમાં કદી ચુંટણી ન લડી શકે તેવી પણ આ નોટીસ મારફત માંગણી કરવામાં આવી છે. આમ હવે લોકસભામાં આ ટકકર વધુ ગંભીર બની છે.
ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ જણાવ્યું કે વિપક્ષના નેતા સામે વિશેષાધિકાર ભંગ દરખાસ્ત લાવવાની કોઈ યોજના નથી પરંતુ સબન્ટેન્ટિવ મોર્સન એટલે કે એક દરખાસ્ત લાવવાની નોટીસ આપી છે અને તેના આધારે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી છે.હવે આ મુદે આગામી દિવસોમાં લોકસભા અધ્યક્ષ શું નિર્ણય લે છે તેના પર નજર છે. અગાઉ પણ એક વખત રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થયુ હતું અને ફરી એક વખત હવે તેમના માટે આ નવું જોખમ સર્જાયુ છે.
ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ જે સબન્ટેન્ટિવ મોશન દાખલ કરી છે તેમાં ફકત લોકસભામાં રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો જ નહી પરંતુ ભૂતકાળમાં તેમના કેટલાક કનેકશનોનો પણ સમાવેશ કરાયો છે.દુબેએ જણાવ્યું હતું કે મે જે સબન્ટેન્ટિવ મોર્શન દાખલ કરી છે તેમાં રાહુલ ગાંધી સોરોસ ફાઉન્ડેશન ફોર્ડ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને થાઈલેન્ડ, કમ્બોડીયા, વિયેટનામ અને અમેરિકાના પ્રવાસમાં તેઓ જે વિધાનો કર્યા છે અને ભારત વિરોધી તાકાતો સાથે તેઓનુ કનેકશન છે.તે તમામ દર્શાવીને આ નોટીસ ફટકારી છે જે તેમનું લોકસભા સભ્યપદ રદ કરવા ઉપરાંત તેમને કાયમ માટે ચુંટણી લડવા પર પ્રતિબંધ પણ મુકી શકે છે. આમ સમગ્ર મામલો હવે ગંભીર થઈ ગયો છે.
સબન્ટેન્ટિવ લો એક વૈધાનિક કાયદો છે. આ કાયદા દ્વારા નાગરિકોના અધિકાર અને જવાબદારી નિશ્ચિત કરે છે. ગુન્હા અથવા તેના ખોટા કર્તવ્ય અથવા તો ખોટા દર્શાવાતા તથ્ય સંબંધમાં ન્યાયીક મુકદમા નકકી કરે છે અને તેના આધારે રાહુલ ગાંધીએ જે વિધાનો કર્યા છે તે આ કાનૂનની વ્યાખ્યામાં જો દોષીત સાબીત થાય તો તેમને જે તે ધારા ગ્રુપના સભ્યપદ હેઠળ સજા રૂપે તેમનું લોકસભા સભ્યપદ રદ થઈ શકે છે અને તેના આધારે તેમને ભવિષ્યમાં ચુંટણી લડી ન શકે તેવી જોગવાઈ પણ આવી શકે છે.

