Mumbai,તા.20
પાકિસ્તાની ક્રિકેટ જગતમાં અત્યારે રમત કરતાં વધુ ખેલાડીઓની પર્સનલ લાઈફની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાન ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઈમાદ વસીમ હાલમાં તેના બીજા લગ્નને લઈને વિવાદોમાં ઘેરાયો છે. ઈમાદ વસીમે હાલમાં જ નાયલા રઝા સાથે બીજી વાર નિકાહ કર્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જોકે, આ ખુશીના માહોલ વચ્ચે તેની પ્રથમ પત્ની સાનિયા અશફાકે ઈમાદ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે અને તેમના પર છેતરપિંડીના ગંભીર આરોપો લગાવ્યા છે.
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સાનિયા અશફાકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈમાદ સાથેની પર્સનલ વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા. ઉલ્લેખનીય છે કે, ઈમાદ અને સાનિયાના છૂટાછેડા ડિસેમ્બર 2025માં થયા હતા. સાનિયાએ શેર કરેલી ચેટ તે સમયની છે જ્યારે તે જુલાઈ 2025માં પ્રેગ્નેન્ટ હતી અને ઈમાદના ત્રીજા બાળકની માતા બનવાની હતી. ચેટમાં જોવા મળે છે કે સાનિયાએ હોસ્પિટલના રિપોર્ટ્સ મોકલીને ઈમાદને વિનંતી કરી હતી કે ડિલિવરી સમયે તે તેની સાથે રહે. સાનિયાએ ખૂબ જ ભાવુક થઈને તેની મદદ માંગી હતી, પરંતુ ઈમાદનો જવાબ અત્યંત ચોંકાવનારો હતો.ઈમાદ વસીમે સાનિયા અપીલને સ્વીકારવાને બદલે તેને ધમકી આપી હતી. લીક થયેલી ચેટ મુજબ, ઈમાદે લખ્યું હતું કે સાનિયાએ હવે પછી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો નહીં. એટલું જ નહીં, ઈમાદે એવી ચેતવણી પણ આપી હતી કે જો સાનિયા ફરીથી તેને મેસેજ કે કોલ કરશે, તો તે પોલીસમાં હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવશે. પાકિસ્તાન માટે 55 વનડે અને 75 T20 રમનાર આ દિગ્ગજ ખેલાડીની આ ખાનગી વાતચીત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ રહી છે.

