New Delhi,તા.18
ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા છેતરપિંડીના કેસોને નિયંત્રિત કરવા સુરક્ષાના નવા પગલાં લેવાના ઉદ્દેશથી નવા નિયમોના મુસદ્દા જાહેર કરેલા છે. 2025 ની સાલમાં આશરે રૂ. 22,931 કરોડ ફ્રોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે.
2021 માં સાયબર ફ્રોડના 2.6 લાખ કેસ હતા (અંદાજે રૂ. 551 કરોડ), જે 2025 માં વધીને 28 લાખ કેસ અને રૂ. 22,931 કરોડ સુધી પહોંચી ગયા છે. નવા સૂચિત નિયમો અનુસાર રૂ. 10,000 થી વધુ રકમના પેમેન્ટ કરવામાં વિલંબ કરવામાં આવશે. 70 વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝનના ખાતામાંથી રૂ. 50,000 થી વધુનું પેમેન્ટ થાય તો ટ્રસ્ટેડ વ્યક્તિની મંજૂરીની વ્યવસ્થા દાખલ કરવામાં આવશે.
એવો મત રજૂ કરાયો છે કે, માત્ર નિયમો બનાવવા પૂરતા નથી, પરંતુ ઓનલાઇન ફ્રોડ થાય તો તેના માટે બેન્કોને જવાબદાર ગણીને વળતર ચૂકવવાની જવાબદારી તેમના માથે નાખવી જોઈએ. સાયબર ફ્રોડના કિસ્સામાં હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરવા છતાં ઘણા કિસ્સામાં નાણાં પરત મેળવવામાં નિષ્ફળતા મળે છે. ઘણીવાર ફરિયાદ નોંધવામાં થતો વિલંબ (48 કલાક સુધી અધિકારીઓ ન મળવા) ગુનેગારોને ભાગી છૂટવામાં મદદરૂપ થાય છે.
રિઝર્વ બેન્કે જાહેર કરેલા આ અંતિમ નિયમો અંગે 8મી કે 9મી મે સુધી દરેક વ્યક્તિ પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે.

