New Delhi તા.26
એનસીઈઆરટીના ધો.8ના પાઠયપુસ્તકમાં `ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ મુદે આપવામાં આવેલા ચેપ્ટરના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને આજે સર્વોચ્ચ અદાલતે આ અંગે સુનાવણી સમયે એનસીઈઆરટીના ડાયરેકટર દ્વારા આ પ્રકારે ચેપ્ટર દાખલ કરવા બદલ માફી માંગી લીધી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે તે ફગાવીને આ સંસ્થાના ડાયરેકટર અને શિક્ષણ સચીવને શોકોઝ નોટીસ જાહેર કરી છે.
ગઈકાલે આવેલા અહેવાલ મુજબ ધો.8ના સોશ્યલ સાયન્સના પાઠયપુસ્તકમાં ન્યાયતંત્રની કામગીરીના સંદર્ભમાં ભ્રષ્ટાચાર અને કેસોના ભરાવાના મુદા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તૈયાર કરાયા હતા પરંતુ આ અહેવાલ બહાર આવતા જ સર્વોચ્ચ અદાલત સમક્ષ બે સીનીયર ધારાશાીઓએ આ મુદો ઉઠાવ્યો હતો અને સુપ્રીમકોર્ટે પણ તેમની ગંભીર નોંધ લીધી હતી.
જો કે તે પુર્વે જ ગઈકાલે જ એનસીઆરઈટીએ આ પાઠય પુસ્તક પાછુ ખેંચી લેવાયુ છે અને કાઉન્સીલે બિનશરતી માફી પણ માંગી લીધી હતી પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતે આક્રોશ સાથે જણાવ્યું કે આ ન્યાયપાલિકાની ગરીમાને ઘટાડવા માટેનો એક ઈરાદાપૂર્વકનું કદમ છે અને હું આ માફીથી સંતુષ્ટ નથી તથા આ પ્રકારે ચેપ્ટર દાખલ કરવા માટે કોણ જવાબદાર છે તે નિશ્ચિત કરવું પડશે.
જો કે એનસીઈઆરટી વતી સોલીસીટર જનરલ એ પણ દરમ્યાનગીરી કરીને મામલો થાળે પાડવા કોશીશ કરી હતી પરંતુ ચીફ જસ્ટીસ સુર્યકાંત એ કહ્યું કે તમે આ બાબતને બહુ હળવાશથી લઈ રહ્યા છો પરંતુ ધનુષ્યમાંથી બાણ છુટી ગયુ છે અને આજે ન્યાયતંત્ર ખુનથી લથપથ છે. આ પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે અને મને પણ એક નકલ મોકલવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંત ઉપરાંત ન્યાયમૂર્તિ જે બાગચી અને ન્યાયમૂર્તિ પંચોલીની ખંડપીઠે તે બાદ એનસીઈઆરટીના ડાયરેકટર અને શિક્ષણ સચીવને નોટીસ પાઠવી હતી અને કહ્યું કે આ તપાસ ચાલુ રહેશે.
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અનેક વખત માફી માંગવાની વાત કરી હતી અને સ્કુલ એજયુકેશન સેક્રેટરી પણ હાજર હતા પરંતુ ચીફ જસ્ટીસે કહ્યું કે તેઓને જે નોટીસ પાઠવવામાં આવી છે તેમાં માફીનો કોઈ પ્રશ્ન નથી. આ બહુ ગંભીર બાબત છે.
એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલ ધો.8ના સોશ્યલ સાયન્સ એટલે કે સામાજીક વિજ્ઞાનના પાઠયપુસ્તકને તૈયાર કરવામાં ત્રણ અલગ અલગ કમીટીની ભૂમિકા બહાર આવી છે. પાઠયપુસ્તક નિર્માણ સમીતીમાં 15 સભ્યો હતા જયારે તેની સમીક્ષા 23 અને બાદમાં રાષ્ટ્રીય પાઠયપુસ્તક તથા શિક્ષણ અધિગમ સામગ્રી સમીતીમાં 19 સભ્યો હતા અને આ તમામે આ ચેપ્ટરને મંજુર રાખ્યુ હોવાનું બહાર આવ્યું છે.
કોઈપણ પાઠય પુસ્તકના નિર્માણ પુર્વે તેમાં જે વિષયો સમાવવાના હોય તેને યોગ્ય રીતે ચકાસવામાં આવે છે અને ઐતિહાસિક સંદર્ભો કે વર્તમાન સમયના સંદર્ભમાં પણ તે જોવામાં આવે છે અને તેમાં જે કાંઈ આંકડા અને તથ્ય હોય તે પણ ચકાસવામાં આવે છે અને ત્રણ કમીટી તે ચકાસ્યા બાદ મંજુરી આપે છે. જેમાં સરકારની ભૂમિકા હોતી નથી પરંતુ સરકારનો પ્રભાવ જરૂર હોય છે.
પાઠયપુસ્તક નિર્માણ સમીતીના 15 સભ્યોમાં આઈઆઈટી ગાંધીનગરના ગેસ્ટ પ્રોફેસર મિશેલ ડેનીનો તથા રાજીવ સાન્યાલ સામેલ છે. આ પાઠયપુસ્તક નિર્માણ પર અન્ય 23 લોકો નજર રાખે છે અને અંતે 19 લોકો તેને આખરી મંજુરી આપે છે.
આમ અનેક તબકકે તે ચકાસણી થાય છે. આ નિર્માણ સમીતીમાં જે સભ્યો હોય છે તેની પસંદગી પણ પુરતી એકેડેમીક ક્ષમતાના આધારે કરાઈ છે. આમ જે રીતે આ ચેપ્ટર દાખલ કરાયુ તેમાં તમામ માહિતગાર હશે તેવું માનવામાં આવે છે.

