Porbandar, તા.9
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે નવા ગેઇટ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ ગેઈટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની જિલ્લા શિવસેના દ્વારા રજુઆત કરી અને તટસ્થ તપાસ ની માંગ કરી હતી જેના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનરે તપાસ ની ખાતરી આપી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે પોરબંદરની ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરીત હાલતમાં રહેલ ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાની થતી હોવાનું સામે આવ્યું છે.
પોરબદર જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે અને સાથે તપાસ ની માંગ પણ કરવામાં આવી છે જો તપાસ યોગ્ય નહી થાય અને કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો મોટી સંખ્યામાં શિવ સૈનિકો એકત્રિત થઇ ચોપાટી ખાતે થી જ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.જેના પગલે મહાનગરપાલિકા નું તંત્ર પણ હરકત માં આવ્યું છે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનન ચતુર્વેદી એ આ મામલે તપાસની ખાતરી આપી છે.

