મહિલા અગાઉથી પરણીત હોવાની જાણ થતાં વકીલે સોગંદનામું કરવાનો ઈન્કાર કર્યોે’
ઓફિસમાં ધમાલ મચાવ્યા બાદ બનાવ અંગે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુગલ વિરુદ્ધ જસદણ પોલીસ મથકે ગુનો નોંધાયો
Jasdan,તા,29
જસદણમાં પરણીત સ્ત્રીને મૈત્રી કરાર કરી આપવાનો ઈનકાર કરનાર વકીલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. વકીલની ઓફિસ ખાતે મૈત્રી કરાર કરાવવા આવેલ યુગલ પૈકી મહિલા અગાઉથી પરણીત હોય તે બાબતની જાણ થતાં વકીલે સોગંદનામું કરવાની ના પાડી દીધી હતી. જે બાદ ઉશ્કેરાયેલી મહિલા સહિતના શખ્સે અસભ્ય વર્તન કરી ખુનની ધમકીઓ આપી ઓફિસમાં તોડફોડ કરતા વકીલે જસદણ પોલીસ મથકે બેલડી વિરુદ્ધ ગુુનો નોંધાવ્યો હતો.
બનાવ અંગે જસદણની છત્રીબજાર ખાતે આવેલ જૂની મામલતદાર ઓફિસ સામે રહેતા 30 વર્ષીય વકીલ મનનભાઈ અશ્ર્વિનભાઈ શેઠએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરત જયતાભાઈ કુવાડિયા (રહે. જંગવડ, જસદમ, રાજકોટ) અને કાજલબેન પ્રકાશભાઈ પટોડિયા (હાલ રહે. શ્યામ પાર્ક ગેઈટ નં. 3 કોઠારિયા રોડ રાજકોટ, મુળ રહે. જંગવડ, જસદણ)નું નામ આપતા જસદણ પોલીસની ટીમે બીએનએસની કલમ 324 (4), 352, 351 (3), 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વકીલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ ંહતું કે, ગત તા. 25ના રોજ સવારના સમયે અમારી ઓફિસ ખાતે આવી એક અસીલે કહેલ કે, તેઓ સોમવારે એટલે કે, તા. 27/4ના રોજ જરૂરી ડોક્યુમેન્ટ લઈને આવશે અને તેઓ મૈત્રી કરાર કરાવશે. તેવુ કહી જતા રહેલ હતાં. બાદ તા. 27ના રોજ સવારના 11 વાગ્યા આસપાસ અમારી ઓફિસે આવેલ અસીલે પોતાના ડોક્યુમેન્ટ આપતા તેમની ઓળખ ભરત જયતાભાઈ કુવાડિયા અને કાજલબેન પ્રકાશભાઈ પટોડિયા તરીકે થયેલ હતી. જેમાં કાજલબેના બે વખત લગ્ન થયેલ હોય અને છેલ્લા લગ્નજીવનથી છુટાછેડા નહીં થયા હોવાનું જાણવા મળતા તે બાબતની સમજણ આપી બન્ને લોકોના મૈત્રી કરાર થઈ શકે નહીં તે બાબતે વાતચીત કરી હતી. દરમિયાન કાજલબેન એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મારી સાથે એલફેલ બોલી અસભ્ય વર્તન કરવા લાગેલ હતાં. તેઓ મને કહેવા લાગેલ કે તમે વકીલ હોવ તો શું થઈ ગયું જો તમે અમે કહીએ તે રીતે મૈત્રીકરાર કે સોગંદનામું નહીં કરી આપો તો સારાવાટ રહેશે નહીં અને તમને જોઈ લેવા પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં તેમણે દબાણ પૂર્વક મને મૈત્રી કરાર અને સોગંદનામું કરાવવા પ્રયત્ન શરૂ કર્યો હતો. પરંતુ તે બાબતે મે સ્પષ્ટ ના પાડી દેતા કાજલબેને અમારી ઓફિસમાં રહેલ પ્રીન્ટર, ટેબલમાં તોડફોડ શરૂ કરી હતી. તેમણે પ્રિન્ટર સાથેનો વાયર તોડી ઝેરોક્ષ મશીનમાં પણ તોડફોડ કરી નુક્શાન સર્જીયુ હતું તેમ છતાં મે તેમને સમજાવવાની કોશીષ કરી હતી પરંતુ તેઓ ટસથી મસ થયા ન હતાં બાદમાં મે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, તે કોઈથી બીતા નથી અને વહીવટી ધોરણે છૂટી જશું જો પોલીસમાં ફરિયાદ કરીશ તો માથા ફોડી નાખીશું તેવી ધમકી આપી હતી. વધુમાં કાજલબેને ધમકી આપતા જણાવ્યું હતું કે, હું પોતે સ્ત્રી છું ગમે તે થશે તો પણ અમારુ કશુ થશે નહીં બાદમાં જતા જતા તેમણે કોમ્પ્યુટર સિસ્ટમમાં લાગેલ વાયર તોડી નાખેલ હતાં. દરમિયાન મારા નાના ભાઈ જયનો મોબાઈલ ઝુટવી લેવાની કોશીષ કરતા મોબાઈલ નીચે પડી ગયેલ હતો. અને તેમાં પણ નુક્શાની સર્જાઈ હતી. વધુમાં જતા જતા કાજલબેન અને ભરતભાઈએ ધણકી આપી હતી કે, આ બનાવ સબંધે કોઈ પણ ફરિયાદ કરીશ તો પાછા આવી જાનથી મારી નાખીશું, અમારુ કોઈ કંઈ બગાડી નઈ લે. બનાવ સબંધે પરાણે મૈત્રી કરાર કરાવવા દબાણ કરી યુગલે વકીલની ઓફિસમાં તોડફોડ કરી ધમાલ મચાવતા જસદણ પોલીસ મથકે સમગ્ર મામલે મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

