પરિવાર ગામમાં માઠા પ્રસંગે ગયો હોય દરમિયાન ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી
Jasdan,તા,29
જસદણ તાલુકાના ગઢડીયાની સીમમાં વાડીએ રહેતા પરિવારના બપોરના સમયે માત્ર ત્રણ કલાક માટે બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અહીંથી તસ્કરો સોનાના ઘરેણા અને રોકડ સહિત રૂ. 1.04 લાખની મત્તા ચોરી કરી ગયા હતા
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જસદણના ગઢડીયા ગામની સીમમાં ટીટોડીયા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા સંતોષભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ. 40) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં ગામની સીમમાં વાડીએ આવેલા મકાનમાં રહે છે.
ગઈ તા. 25/4/2026 ના ગઢડીયા ગામમાં માઠો પ્રસંગ હોય જેથી બપોરના બારેક વાગ્યા આસપાસ તે તથા તેની પત્ની અને દીકરી ત્રણેય અહીં જવા માટે નીકળ્યા હતા. ત્યારે વાડીએ આવેલા મકાનની લોખંડની ડેલી બંધ કરી તાળું મારી ગયા હતા ત્રણેક વાગ્યે આસપાસ જમીને પરત આવ્યા ત્યારે યુવાનની પત્નીએ ચાવીથી તાળું ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તાળું ખુલતું ન હતું જેથી દાતરડાથી તાળું મચકોડી ખોલ્યું હતું. બાદમાં ઘરમાં જઈ જોતા થેલામાં રાખેલ સોનાના ઘરેણા ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું. જેમાં સોનાનો ત્રણ તોલાનો હાર, સોનાની દોઢ તોલાની બુટ્ટી, સોનાનો ચેન, ચાંદીનો જુડો તેમજ રોકડ રૂપિયા ૧૨૦૦ સહિત કુલ રૂપિયા 1,04,200 ની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે યુવાને જસદણ સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

