Gandhinagar,તા.10
ગુજરાતમાં આજે (10મી માર્ચ) અનેક પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તપાસ માટે દોડી ગઈ છે અને ઓફિસો-પરીસર ખાલી કરાવાયા છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હાલ પૂરતું પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
માહિતી અનુસાર, ગોધરા પોસ્ટ ઓફિસના સત્તાવાર મેઈલ આઈડી પર એક ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે બિલ્ડિંગના ખૂણેખૂણે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
અમરેલીની પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદની વડી કચેરી દ્વારા આ ધમકી અંગે અમરેલી કચેરીને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસને ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન પોલીસને કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેને લઈને પોસ્ટ ઓફિસને ફરી રાબેતામુજબ શરૂ કરી દેવાઈ છે.
વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળતા સમગ્ર કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુનિવર્સિટી સત્તાવાળાઓએ તાત્કાલિક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભર્યા હતા, જ્યારે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કેમ્પસના ખૂણેખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરી તપાસ શરૂ કરી હતી.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસ, કોર્ટ અને શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અગાઉ વડોદરાની દિવાળીપુરા કોર્ટ અને વિવિધ શાળાઓને પણ આ પ્રકારે ધમકી મળી હતી, જોકે સદનસીબે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલમાં પારુલ યુનિવર્સિટી સહિત રાજ્યની અનેક પોસ્ટ-પાસપોર્ટ ઓફિસો ખાતે પણ પોલીસ દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ધમકીભર્યા મેસેજ પાછળના મૂળ સુધી પહોંચવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.

