Ahmedabad,તા.10
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર અર્ધશતક ફટકારીને કપ્તાન સૂર્યકુમાર યાદવના વિશ્વાસને સાચો સાબિત કર્યો. કપ્તાન સૂર્યકુમારે જ્યારે ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાનની પુષ્ટિ કરવા માટે ઈશાનને ફોન કર્યો હતો ત્યારે તેમના પાસે આ આક્રમક વિકેટકીપર બેટ્સમેનને પૂછવાનો માત્ર એક જ સવાલ હતો કે શું તે `વલ્ર્ડ કપ જીતાડશે?’
ઈશાને તેનો જવાબ એક સવાલથી આપતા સૂર્યકુમારને કહ્યું, `ભરોસો કરશો?’ આ નાની વાતચીત સૂર્યકુમારના `હા’ જવાબ સાથે પૂરી થઈ અને ઈશાને ટૂર્નામેન્ટમાં 241 રન બનાવ્યાં, જેમાં રવિવારે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેનું શાનદાર અર્ધશતક પણ સામેલ છે.
સ્ક્રીનશોટ લીધો હતો
રવિવાર રાત્રે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારતે ખિતાબ જીત્યા બાદ સ્માઈલ સાથે ઈશાને કહ્યું, `સૂર્યા ભાઈએ મને ત્યારે ફોન કર્યો હતો જ્યારે ટીમ જાહેર થવાની હતી. મેં તેનો સ્ક્રીનશોટ પણ લઈ લીધો હતો, કારણ કે મને લાગતું હતું કે તેમણે વર્લ્ડ કપ ટીમ વિશે ફોન કર્યો છે. તેમણે મને સીધું પૂછ્યું, `વલ્ર્ડ કપ જીતાડીશ?’ મેં તેમને પૂછ્યું, `ભરોસો કરશો?’ તેમણે કહ્યું `હા’ અને બસ એટલી જ વાત થઈ.’
બહેન માટે બનાવ્યા રન
ફાઇનલ પહેલાં ઈશાન એક વ્યક્તિગત દુઃખમાંથી પસાર થઈ રહ્યો હતો. ઈશાને જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જ તેમને એક અકસ્માતમાં તેમની બહેનના અવસાન વિશે ખબર પડી હતી. ઈશાને કહ્યું, `સાચું કહું તો મેચ પહેલાં હું આ વિષય પર વાત કરવાની વિચારણા નહોતો કરી રહ્યો, પરંતુ હવે કહું છું.
મારી કઝિન બહેનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું અને મને થોડા દિવસ પહેલાં તેની ખબર પડી. તે હંમેશા ઈચ્છતી હતી કે હું ઘણાં રન બનાવું. મેં વિચાર્યું કે હું તેની યાદ માટે સારી વસ્તુ એ કરી શકું કે તેના માટે રન બનાવું.’
હેડ કોચે તૈયાર રહેવા કહ્યું હતું : સંજુ
ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજુ સેમસને જણાવ્યું કે કોચ ગૌતમ ગંભીરએ તેમને કહ્યું હતું કે તેઓ ઝિમ્બાબ્વે સામે થનારી મેચ માટે તૈયાર રહે. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ સંજુએ ફાઇનલમાં પણ 46 બોલમાં 89 રનની જબરદસ્ત ઇનિંગ્સ રમી. સેમસને ખિતાબી મુકાબલા પછી કહ્યું, `હું ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલાં જિમમાં કોચ ગૌતમ ગંભીરને મળ્યો હતો, અને ત્યાં તેમણે મને કહ્યું, સંજુ તૈયાર રહેજે, તું આગળની મેચ રમવાના છો.
હું 100 ટકા તૈયાર હતો. મારા મનમાં મેં કહ્યું, હા, હવે વાત બની, હું તો આની જ રાહ જોઈ રહ્યો હતો.’ સંજુએ એ પણ જણાવ્યું કે તેમને ટીમમાં અન્ય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવી પસંદ નથી અને તેઓ સાથે મળીને એક લક્ષ્ય તરફ આગળ વધવામાં વિશ્વાસ રાખે છે.

