Surendaranagar, તા.18
વીરમગામ હાઈવે પર વિરોચનગર ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં વાહનો જોતજોતામાં લોખંડના ભંગારમાં ફેરવાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, હાઈવે પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને ટેન્કરના ચાલકોએ ગફલતભરી રીતે વાહનો હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કપચી ભરેલું એક ડમ્પર સામેથી આવતી થાર ગાડી પર ધડાકાભેર પલટી મારી ગયું હતું. ગાડી પર ટનબંધ કપચીનો જથ્થો ખાબકતા થારમાં સવાર યુવકો નીચે દબાઈ ગયા હતા.
અકસ્માત બાદ તરત જ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. કમનસીબે, થારમાં સવાર લોકો બહાર નીકળે તે પહેલા જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં તેઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. ઘટનાની તસવીરોમાં યુવકોના બળીને ખાખ થયેલા મૃતદેહ જોઈ હૈયું હચમચી ઉઠે છે.
ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસ પણ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

