Gandhinagar, તા.19
ગુજરાતના અનેક શહેરોના વિસ્તારોમાં લાગૂ થતાં અશાંત ધારા કાયદામાં મોટા ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આવતા સપ્તાહમાં સુધારા વિધેયક રજુ કરવામાં આવશે. કાયદામાં અશાંત વિસ્તારને બદલે નિદ્રિષ્ટ (સ્પેશીફાઇડ) વિસ્તારનો ઉલ્લેખ હશે.
અશાંત વિસ્તાર કાયદા 1991માં રાજ્ય સહકાર દ્વારા ધરખમ ફેરફાર થશે. સુધારા વિધેયકનો મુસદો તૈયાર કરાયો છે જે આવતા સપ્તાહમાં વિધાનસભામાં રજુ થશે. પ્રક્રિયામાં ફેરફાર તથા અશાંત વિસ્તારને બદલે `નિદ્રિષ્ટ વિસ્તાર’ જેવા મહત્વના બદલાવ થશે.
સુચિત સુધારા વિધેયકમાં એવો બદલાવ છે કે કલમ 17 સિવાય મુખ્ય કાયદામાં અશાંત વિસ્તારનો ઉલ્લેખ છે. જ્યાં-જ્યાં આ શબ્દો હોય તેના સ્થાને `નિદ્રિષ્ટ (સ્પેશીફાઇડ) વિસ્તાર’ રહેશે. ક્લમ 9 હેઠળનો આ સુધારો મિલ્કત ગીરવે રાખીને લોન-ધિરાણ મેળવવા માગતા પ્રોપર્ટીધારકોને હેરાનગતિમાંથી બચાવવાનો છે.
નવા સુધારા વિધેયક મારફત કાયદામાં મહત્વના બદલાવ થશે અને જિલ્લા કલેક્ટર સહિતની લોકલ કમીટીઓને ખાસ સત્તા મળશે. તંગદીલી ધરાવતા અથવા અશાંત વિસ્તારોમાં બળજબરીપૂર્વક મિલ્કત વેચાણ રોકવાનો ઉદેશ છે.
રાજ્યના મહેસુલ મંત્રી સંજયસિંહ મટિડા આવતા સપ્તાહમાં આ સુધારા વિધેયક ગૃહમાં રજુ કરશે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે કાદાકીય જોગવાઇઓથી વિરૂધ્ધ પ્રોપર્ટી ટ્રાન્સફર થતા હોવાના અને વ્યક્તિ ગેરકાયદે કબ્જો જમાવતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
સ્થાવર મિલ્કતોની આ પ્રકારે ગેરકાયદે તબદીલી રોકવા તથા કાનૂની માલિકોના હિતોનું રક્ષણ કરવા માટે કાયદામાં જરૂરી સુધારા અનિવાર્ય છે. સુધારા કાયદામાં વ્યાખ્યા પણ બદલવામાં આવશે. પ્રોપર્ટી ખરીદનાર-વેચનાર ઉપરાંત નિદ્રિષ્ટ વિસ્તારમાં વસવાટ કરતી `થર્ડ પાર્ટી’ની પણ ભૂમિકા રહેશે.
કાયદા સુધારા વિધેયકમાં મોનીટરીંગ અને એડવાઇઝરી (સલાહકાર) સમિતિની પણ દરખાસ્ત કરવામાં આવી છે જેને ચોક્કસ વિસ્તારોનો અભ્યાસ કરવાની જવાબદારી રહેશે. લાંબાગાળા સુધી વિસ્તાર `તંગ’ રહેવાના જોખમ કે સંભવિત જોખમી વિસ્તારો વિશે સરકારને ભલામણ કરવાની રહેશે. આ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેસન ટીમ સરકારને સહાય કરશે. સ્પેશ્યલ ઇન્વેસ્ટીંગેશન ટીમ પ્રોપર્ટી વેચાણની મંજુરી આપવામાં જીલ્લા કલેક્ટરને પણ મદદ કરશે.
અશાંત વિસ્તારમાં પ્રોપર્ટી તબદીલીમાં કાયદાનો ભંગ થયાનું માલુમ પડવાના સંજોગોમાં તેનો કામચલાઉ ધોરણે કબ્જો લઇ લેવાના પણ જીલ્લા કલેક્ટરને અધિકાર આપતી જોગવાઇ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વ્યક્તિ અથવા કલેક્ટર પોતે ખૂદ સંજ્ઞાન લઇને આ કાર્યવાહી કરી શકશે.

