New Delhi,તા.19
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ એવી ટીમ રહી છે, જેના પાસે દરેક સીઝનમાં ટેલેન્ટની કોઈ કમી રહી નથી, છતાં ટ્રોફી હંમેશા એક પગલું દૂર રહી ગઈ છે. આશાઓ જાગી, પ્રદર્શન પણ દમદાર રહ્યું, પરંતુ અંતે ઘણીવાર કિસ્મતે સાથ ન આપ્યો.
જોકે આ વખતે પરિસિ્થતિ થોડી બદલાઈ શકે છે. ગયા સીઝનની ફાઈનલિસ્ટ પંજાબ કિંગ્સ આ વખતે પણ એવી ઘાતક `બોલિંગ ત્રિપુટી’ સાથે મેદાનમાં ઉતરશે, જે કોઈ પણ બેટિંગ ઓર્ડરની ઊંઘ ઉડાવી શકે છે. અર્શદીપ સિંહ, માર્કો યાન્સેન અને યુઝવેન્દ્ર ચહલ – આ ત્રણેય મળીને પંજાબના આક્રમણને ધારદાર બનાવે છે.
નવી બોલ સાથે અર્શદીપની સ્વિંગ અને ચોકસાઈ, લાંબા અને મજબૂત યાન્સેનની વધારાની બાઉન્સ અને મધ્ય ઓવરોમાં ચહલની ચાતુરાઈ, આ સંયોજન દરેક તબક્કે વિરોધી ટીમને દબાણમાં રાખવાની ક્ષમતા ધરાવે છે.
ખાસ વાત એ છે કે, ડેથ ઓવરોમાં રન રોકવાની જવાબદારી પણ આ ત્રિપુટીના ખભા પર મજબૂતીથી ટકી છે. પેસ અને સ્પિનનું આ સંતુલન પંજાબ કિંગ્સને માત્ર મેચ જીતવાની સ્થિતિમાં જ લાવે છે એવું નથી, પરંતુ તેમને ખિતાબની દોડમાં સૌથી મજબૂત દાવેદાર પણ બનાવે છે.
પ્રશ્ન માત્ર એક છે – શું આ ધારદાર ત્રિપુટી વર્ષોથી ચાલતા ટ્રોફીના ઈંતજારને અંતે પૂરો કરી શકશે? તેનો જવાબ મેળવવા માટે થોડો ઈંતજાર કરવો પડશે, પરંતુ સંકેતો સ્પષ્ટ છે, આ વખતે `કિંગ્સ’ માત્ર નામના નહીં, ઇરાદાના પણ છે.
બેસ્ટ બોલિંગ લાઇન અપ
બોલિંગ વિભાગમાં પંજાબ કિંગ્સ પાસે જીત અપાવી શકે એવા લગભગ બધા જ હથિયારો છે. ટીમ પાસે આ લીગના ઇતિહાસમાં 200 થી વધુ વિકેટ લેનારા એકમાત્ર બોલર ચહલ છે. તેમના નામે આ લીગમાં 221 વિકેટ છે, જે લીગમાં સૌથી વધુ છે. અર્શદીપે ડેબ્યૂ પછી પાવરપ્લેમાં કુલ 36 વિકેટ લીધી છે. તેમના ડેબ્યૂ પછીથી આ લીગમાં આ પાંચમો સૌથી વધુ આંકડો છે. સૌથી ઉપર ટ્રેન્ટ બોલ્ટ છે, જેમણે પાવરપ્લેમાં 63 વિકેટ લીધી છે.
અર્શદીપ ભારતના સૌથી સફળ ટી-20 આંતરરાષ્ટ્રીય બોલર પણ છે. તેમના નામે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 127 વિકેટ છે. દક્ષિણ આફ્રિકાના લાંબા કદાવર પેસર યાન્સેને ગયા સીઝનમાં 16 વિકેટ લીધી હતી.
આ અર્શદીપ (21) પછી ચહલ (16) સાથે ટીમ માટે સંયુક્ત રીતે બીજી સૌથી વધુ વિકેટ હતી. આ ઉપરાંત ટીમમાં વિજયકુમાર વિશ્વક, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ અને લોકી ફર્ગ્યુસન પણ સામેલ છે.
નાનો સ્કોર પણ બચાવ્યો હતો
ટીમે ગયા સીઝનમાં લક્ષ્યનું બચાવ કરતાં 10 માંથી 5 મેચ જીતી હતી, જે સંયુક્ત રીતે સૌથી વધુ હતા. પંજાબે ગયા સીઝનમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 112 રનના લક્ષ્યનો પણ સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.
બેટિંગ પણ દમદાર
પંજાબ કિંગ્સની બેટિંગ પણ ખૂબ દમદાર છે. ટીમનું ટોપ-4 ગયા સીઝનમાં ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ રહ્યું હતું. પહેલા ચાર બેટર્સે 17 મેચમાં 2032 રન બનાવ્યા હતા. આ રન 167.65ના સ્ટ્રાઈક રેટથી બન્યા હતા, જે અન્ય કોઈ ટીમ કરતાં વધુ સારા હતા.
ઓપનર પ્રભસિમરન સિંહ (549 રન, સ્ટ્રાઈક રેટ 160.52) અને પ્રિયાંશ આર્યા (475 રન, સ્ટ્રાઈક રેટ 179.24) ઉપરાંત શ્રેયસ અય્યર (605 રન, સ્ટ્રાઈક રેટ 175.07) ગયા સીઝનમાં સામેની ટીમના બોલરો માટે માથાનો દુખાવો બન્યાં હતાં.
ડેથ ઓવરોમાં બેસ્ટ
ટી-20માં ડેથ ઓવરો બેટિંગ અને બોલિંગ બંને માટે ખૂબ મહત્વનાં હોય છે. પંજાબ આ બંને બાબતમાં ખરાં ઉતરે છે. ગયા સીઝનમાં ટીમની ડેથ ઓવરોમાં બેટિંગ સૌથી શ્રેષ્ઠ રહી હતી. પંજાબે ડેથ ઓવરોમાં 186.35ના સ્ટ્રાઈક રેટથી 359 રન બનાવ્યા હતા અને 50 સિક્સ પણ લગાવ્યા હતા.
આ ત્રણેય આંકડામાં પંજાબથી સારી બીજી કોઈ ટીમ નહોતી. ડેથ ઓવરોમાં પંજાબના બોલરોએ 33 વિકેટ લીધી હતી, જે માત્ર મુંબઈ ઇન્ડિયન્સની 37 વિકેટથી ઓછી હતી.
255 ચોગ્ગા લગાવ્યા હતા પંજાબ કિંગ્સે ગયા સીઝનમાં. આ ગયા સીઝનમાં ત્રીજા સૌથી વધુ ચોગ્ગા હતા. 245 રન બનાવ્યા હતા ગયા સીઝનમાં પંજાબે હૈદરાબાદ સામે એક મેચમાં. આ ગયા સીઝનમાં ટીમનો સૌથી મોટો સ્કોર હતો.

