New Delhi,તા.19
વર્ષ 2024માં ચેમ્પિયન બન્યા બાદનાં સિઝન એટલે કે IPL 2025માં કોલકાતા નાઇટરાઇડર્સની ટીમ આઠમાં સ્થાને ખસી ગઈ હતી, જે તેના માટે મોટો ઝટકો હતો. ત્યારબાદ ટીમે પોતાના 12 ખેલાડીઓને રિટેઇન કર્યા અને 10ને રિલીઝ કર્યા.
ત્રણ વખતની ચેમ્પિયન ટીમે તાજેતરના ઓક્શનમાં 64.30 કરોડના મોટા ખર્ચ સાથે કેટલાક મહત્વપૂર્ણ ખેલાડીઓને ખરીદ્યાં છે અને હવે ટીમ ફરી એકવાર પોતાનો જૂનો દબદબો સ્થાપિત કરવા તૈયાર છે.
ઓક્શનમાં મારી બાજી
ફ્રેન્ચાઇઝીએ મિની ઓક્શનમાં ન્યુઝીલેન્ડના બે ઓપનર્સ ફિન એલેન અને ટિમ સીફર્ટને માત્ર 2 અને 1.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલાં ટી20 વર્લ્ડ કપમાં આ કીવી જોડીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે KKRએ મિની ઓક્શનમાં સૌથી મોટી બાજી મારી છે.
એલેન અને સીફર્ટ વિસ્ફોટક ઓપનર્સ છે. આ વર્લ્ડ કપમાં તેમણે અનેક રેકોર્ડ તોડીને તેનો પુરાવો આપ્યો હતો. આ જોડીએ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે 175 રનની બીજી સૌથી મોટી ભાગીદારી નોંધાવી.
એટલું જ નહીં, બંનેએ મળીને કુલ 463 રન બનાવ્યા, જે કોઈ બીજી જોડીએ કરી શક્યા નહોતા. હવે આ જોડીએ નાઇટરાઇડર્સ માટે પણ ધમાકેદાર પ્રદર્શન કરવાની અપેક્ષા છે.
બે નવા ઓલરાઉન્ડર્સથી મળશે બેલેન્સ
આ ઉપરાંત ટીમમાં બે નવા ઓલરાઉન્ડર્સનો સમાવેશ થયો છે, જે ટીમને સંતુલન આપશે. આન્દ્રે રસેલના નિવૃત્તિ બાદ ટીમને એક વિસ્ફોટક ઓલરાઉન્ડરની જરૂર હતી અને તેના માટે ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન પર દાવ લગાવ્યો.
ગ્રીન માટે ટીમે 25.20 કરોડની મોટી બોલી લગાવી, જેના કારણે હવે તેમના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. ટીમે ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ આ વખતે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
મિસ્ટ્રી સ્પિનર્સની જોડી પણ ટીમમાં
કોલકાતા નાઇટરાઇડર્સની મોટી તાકાત તેનું સ્પિન આક્રમણ પણ છે. વરૂણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા બે મિસ્ટ્રી સ્પિનર્સ કોઈપણ પ્રતિસ્પર્ધી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હર્ષિત રાણાની ઇજાને કારણે પેસ આક્રમણ થોડું નબળું લાગતું હતું. શ્રીલંકાના ઝડપી બોલર મથીષા પથિરાનાને આ વખતે 18 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના પેસર મુસ્તાફિઝુર રહેમાન બાદ બીજા છેડે મજબૂત સાથીની જરૂર હતી. જોકે, ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરાબાનીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. 6 ફૂટ 8 ઇંચ ઊંચા બ્લેસિંગ માટે આ IPLનો પહેલો અનુભવ હશે. જો તે ઝડપથી માહોલમાં ઢળી જશે, તો નાઇટરાઇડર્સ માટે આ મોટો ફાયદો સાબિત થઈ શકે છે.
એલેન-સીફર્ટનો કમાલ
► ટી20 વર્લ્ડ કપમાં પાર્ટનરશીપ દરમિયાન સૌથી વધુ 10.93 રન પ્રતિ ઓવરનો રન રેટ
► ટીમ સીફર્ટે ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 23 બોલમાં અડધી સદી ફટકારી,
► 25.2 કરોડમાં કેમેરોન ગ્રીન KKRના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યાં
► ફિન એલેનએ 33 બોલમાં સદી ફટકારી – ટીમ માટે રેકોર્ડ

