New Delhi, તા.29
આ સીઝનના શરૂઆતના 38 મેચોમાં 154.17ની રેકોર્ડ સ્ટ્રાઈક રેટ સાથે કુલ 13,100 રન બન્યા છે. તેમાંથી 9,066 રન ભારતીય ખેલાડીઓએ 158.86ની સ્ટ્રાઈક રેટ સાથે બનાવ્યા છે, જ્યારે વિદેશી ખેલાડીઓ માત્ર 4,034 રન 144.59ની સ્ટ્રાઈક રેટ સાથે બનાવી શક્યા છે.
બંને વચ્ચે સ્ટ્રાઈક રેટમાં 14.27નો મોટો તફાવત જોવા મળે છે. લીગના 19 વર્ષના ઇતિહાસમાં આ પહેલા માત્ર બે વખત એવું બન્યું હતું કે, ભારતીય ખેલાડીઓએ વિદેશી ખેલાડીઓ કરતાં વધુ ઝડપથી રન બનાવ્યા હોય.
જોકે ત્યારે આ અંતર ખૂબ ઓછું હતું- 2010માં ભારતીયોની સ્ટ્રાઈક રેટ 132 અને વિદેશીઓની 129 હતી, જ્યારે 2011માં આ આંકડો 120 અને 119 હતો. આ સીઝનમાં વિદેશી બેટ્સમેનોએ કુલ બેટિંગ રનમાં માત્ર 30.79% યોગદાન આપ્યું છે, જ્યારે ભારતીય ખેલાડીઓ દ્વારા 69.21% રન બનાવવામાં આવ્યા છે.
► ટોચના 10માં ભારતીય બેટ્સમેનનો દબદબો
સ્ટ્રાઈક રેટના મામલે (200થી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં) આ સીઝનમાં પ્રથમ વખત ટોચના 10માં સંપૂર્ણપણે ભારતીય બેટ્સમેનનો દબદબો જોવા મળી રહ્યો છે. આ પહેલા 2011માં ટોચના 10માંથી 8 ખેલાડીઓ ભારતીય હતા, જેમાં સર્વોચ્ચ સ્ટ્રાઈક રેટ સેહવાગ (168.42)ની હતી.
હાલના સીઝનમાં 11 બેટ્સમેનોએ તેમની કરતાં વધુ સ્ટ્રાઈક રેટ નોંધાવી છે. આ સીઝનમાં કુલ 24 ખેલાડીઓએ 200થી વધુ રન બનાવ્યા છે. તેમાં ફિલ સોલ્ટ (168.3) 12મા સ્થાને અને કૂપર કોનોલી (164.4) 14મા સ્થાને છે.
► અનકેપ્ડ ખેલાડીઓનો જબરદસ્ત દેખાવ
અનકેપ્ડ (અંતરરાષ્ટ્રીય મેચ ન રમેલા) ભારતીય ખેલાડીઓએ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 38 મેચોમાં તેમણે 160.48ની સ્ટ્રાઈક રેટ સાથે કુલ 2757 રન બનાવ્યા છે, જે આ સમયગાળાનો રેકોર્ડ છે.
ખાસ વાત એ છે કે, સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી રન બનાવનાર ટોચના 11 ખેલાડીઓમાં 4 અનકેપ્ડ ખેલાડીઓ (પ્રિયંશ, સૂર્યવંશી, પ્રભસિમરન અને મ્હાત્રે) સામેલ છે. આ ઉપરાંત 11 મેચોમાં અનકેપ્ડ ખેલાડીઓ ટોચના સ્કોર રહ્યા છે. અગાઉ ચાર અલગ સીઝનમાં માત્ર સાત-સાત વખત જ આવું બન્યું હતું.

